Vadodara

વડોદરા:પાણીપુરી ઓછી મળતા મહિલાએ પિત્તો ગુમાવ્યો,જાહેર રસ્તા પર બેસી ગઈ

જાહેર માર્ગ પર બેસી જઈ લારી બંધ કરાવવા જીદ પકડી

સુરસાગર તળાવ પાસે એક લારીના ધારકે 6 ની જગ્યાએ 4 પાણીપુરી આપતા વિવાદ

મહિલાએ કંટ્રોલરૂમમાં ફોન કરી પોલીસ બોલાવી લીધી

( પ્રતિનિધી )વડોદરા,તા.18

વડોદરા શહેરમાં વિચિત્ર કિસ્સો બન્યો હતો. સુરસાગર તળાવ કિનારે પાણીપુરી ખાવા માટે ગયેલી એક મહિલાને લારીના ધારકે છ ની જગ્યાએ માત્ર ચાર પાણીપુરી આપતા મહિલાએ પિત્તો ગુમાવ્યો હતો અને રોડ વચ્ચે બેસી જઈ કંટ્રોલ રૂમમાં ફોન કરી પોલીસને બોલાવી લારી બંધ કરાવવા માંગણી કરી હતી. જોકે આ ઘટના ત્યાંથી પસાર થતા લોકો માટે હાસ્યાસ્પદ બનવા પામી હતી.

સંસ્કારી નગરી વડોદરામાં આજે એક વિચિત્ર ઘટના બનવા પામી હતી. જેમાં પાણીપુરીના કારણે વિવાદ સર્જાયો હતો. સૌ કોઈ જાણે છે કે, મહિલાવર્ગને પાણીપુરી અતિપ્રિય હોય છે. પરંતુ, પાણીપુરી નહીં મળવાને કારણે જાહેરમાં મહિલાએ જીદ પકડી હોવાનો પ્રથમ કિસ્સો વડોદરા શહેરમાં બનવા પામ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના મચ્છીપીઠ વિસ્તારમાં રહેતી એક મહિલા શહેરની મધ્યમાં આવેલા સુરસાગર તળાવના કિનારે ઉભી રહેતી ખાણી પીણાની લારીઓ પૈકી પાણીપુરીની લારી પર પાણી પુરી ખાવા માટે પહોંચી હતી. જ્યાં 20 રૂપિયાની 6 પાણી પુરી મળતી હોવાથી એક પ્લેટનો ઓર્ડર આપ્યો હતો. મહિલાએ પાણીપુરી ખાવાની શરૂઆત કરી બાદમાં લારીના ધારકે છ ની જગ્યાએ માત્ર ચાર પાણીપુરી આપી હોવાના આક્ષેપ સાથે મહિલા અને લારી ધારક વચ્ચે બોલાચાલી થઈ હતી. જોકે પાણી પુરી હોય અને ખાનાર મહિલા હોય મહિલાએ હંગામો મચાવ્યો હતો. મહિલા વિફરી હતી અને ગુસ્સે થઈને વાહનોથી ધમધમતા જાહેર માર્ગ પર વચ્ચોવચ બેસી ગઈ હતી. તેમજ પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરી પોલીસ બોલાવી લીધી હતી. અને લારી બંધ કરાવવા માંગણી કરી હતી. જોકે, સમગ્ર મામલે પોલીસે પરિસ્થિતિ સંભાળી લેતા અંતે સમાધાનનો માર્ગ અપનાવ્યો હતો. જોકે જાહેર માર્ગ પર થયેલો પાણીપુરી માટેનો આ હંગામો ત્યાંથી પસાર થતા લોકો માટે હાસ્યાસ્પદ બનવા પામ્યો હતો.

Most Popular

To Top