જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી કમાન્ડર ઇલ્યાસ કાશ્મીરીએ એક મોટો ખુલાસો કર્યો છે. તેમણે સ્વીકાર્યું છે કે પાકિસ્તાન આર્મી ચીફ અસીમ મુનીરે જ ઓપરેશન સિંદૂર દરમિયાન માર્યા ગયેલા આતંકવાદીઓના અંતિમ સંસ્કારમાં લશ્કરી અધિકારીઓને મોકલવાનો આદેશ આપ્યો હતો. આ ખુલાસાએ પાકિસ્તાનના દાવાઓ પર સવાલ ઉભા કર્યા છે. કારણ કે પાકિસ્તાન સતત કહી રહ્યું છે કે તેમના દેશમાં કોઈ આતંકવાદી ઠેકાણા નથી.
કમાન્ડર કાશ્મીરીએ વીડિયોમાં જણાવ્યું કે પાકિસ્તાન આર્મી હેડક્વાર્ટર (GHQ)એ આદેશ આપ્યો હતો કે ઓપરેશન સિંદૂર દરમિયાન મારાયેલા આતંકવાદીઓને લશ્કરી પ્રોટોકોલ મુજબ સન્માન અપાવવો જોઈએ. GHQએ કોર્પ્સ કમાન્ડરોને યુનિફોર્મમાં રહી અંતિમ સંસ્કારમાં હાજર રહેવા અને સુરક્ષા રાખવા કહ્યું હતું. આ દરમિયાન અનેક ફોટોગ્રાફ્સ બહાર આવ્યા હતા. જેમાં પાકિસ્તાની લશ્કરી અધિકારીઓ આતંકવાદીઓના અંતિમ સંસ્કારમાં હાજર દેખાતા હતા.
નોંધનીય છે કે ભારતે ઓપરેશન સિંદૂર દરમ્યાન પાકિસ્તાનની અંદર જૈશ-એ-મોહમ્મદના ઠેકાણાઓ પર મોટી કાર્યવાહી કરી હતી. આ હુમલામાં ઘણા આતંકવાદીઓ માર્યા ગયા હતા. કાશ્મીરીના આ સ્વીકાર બાદ પાકિસ્તાનની નીતિઓ દુનિયા સામે ફરી એકવાર ખુલ્લી પડી છે.
વિડિયોમાં કમાન્ડરે વધુ એક દાવો કર્યો હતો. તેના જણાવ્યા મુજબ જૈશના સંસ્થાપક મસૂદ અઝહર જ્યારે દિલ્હીની તિહાર જેલમાંથી છટકી પાકિસ્તાન આવ્યો હતો. ત્યારે બાલાકોટની જમીનથી તેને પ્રેરણા મળી હતી. કમાન્ડરના શબ્દોમાં આ જમીનના કણો તેને મુંબઈ અને દિલ્હી પર હુમલાના મિશન માટે શક્તિ આપતા હતા.
હાલમાં સોશિયલ મીડિયા પર ફરતા આ વીડિયોની સ્વતંત્ર પુષ્ટિ નથી થઈ. તેમ છતાં આ નિવેદનોથી એ સ્પષ્ટ થાય છે કે પાકિસ્તાનમાં આતંકવાદીઓના ઠેકાણા માત્ર અસ્તિત્વમાં જ નથી પરંતુ તેમને લશ્કરી સ્તરે સહારો પણ આપવામાં આવે છે.
આ ખુલાસા પછી પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય છબીને ફરી મોટો ઝટકો લાગ્યો છે.