Business

મગજને કોરી ખાતી બીમારી મામલે કેન્દ્ર સરકાર જલ્દી જાગે તે જરૂરી છે

કોરોના જેવી મહામારીએ આખા દેશમાં મુશ્કેલીમાં મુકી દીધો હતો. કોરોના જ્યાં માંડ માંડ કાબુમાં આવ્યો છે ત્યાં હવે ભારતના કેરળમાં પ્રાયમરી એમોબિક મેનિન્ગોએન્સેફાલિટિસ બીમારીએ દેશના આરોગ્ય વિભાગને ભારે ચિંતામાં મુકી દીધું છે. અમીબાથી થતા નેગ્લેરિયા ફાઉલેરી નામના આ ચેપથી આ વર્ષે 61 કેસ નોંધાય છે અને તેમાં 19ના મોત થઈ ગયા છે. આ બીમારીમાં વાયરસ દ્વારા મગજને કોરી ખાવામાં આવે છે.

જેને કારણે ભારે હાહાકાર મચી ગયો છે. કેરળ બાદ અન્ય રાજ્યોમાં પણ આ બીમારી ફેલાઈ રહી છે અને તેના સ્ત્રોતને જાણવું પણ મુશ્કેલ હોવાથી આ બીમારીને કાબુમાં કરવી અઘરી બની રહી છે. આ મગજના ચેપમાં મૃત્યુદર ઉંચો હોવાને કારણે તબીબો ચિંતામાં છે. છેલ્લા કેટલાક અઠવાડિયામાં જ આ પ્રકારના કેસો વધી ગયા હોવાથી કેરળનું આરોગ્યતંત્ર ભારે દોડધામમાં મુકાઈ ગયું છે. અગાઉ આ ચેપ માત્ર કોઝિકોડ અને મલપ્પુરમ જેવા જિલ્લાઓમાં જ હતો પરંતુ હવે આખા રાજ્યમાં ફેલાઈ ગયો છે. આ બીમારીમાં 3 મહિનાના શિશુથી શરૂ કરીને છેક 91 વર્ષના વૃદ્ધો દર્દી બની રહ્યા છે.

આ બીમારીમાં જે ચેપ લાગે છે તે મગજની પેશીઓનો નાશ કરે છે. જેને કારણે મોટાભાગના કિસ્સાઓમાં મગજમાં સોજા આવે છે. બાદમાં જે તે દર્દીનું મોત થાય છે. આ ચેપ સામાન્ય રીતે સ્વસ્થ બાળકો, કિશોરો અને યુવાન પુખ્તવયના લોકોમાં વધુ ફેલાય છે. શરીરમાં ધ્રાણેન્દ્રિય અને ક્રિબ્રીફોર્મ પ્લેટ દ્વારા અમીબાનો પ્રવેશ થાય છે. જે લોકો અમીબાથી દુષિત હોય તેવા જળાશયોમાં તરે છે કે પછી તેમાં સ્નાન કરે છે તેવા લોકોમાં આ ચેપ વધુ દેખાઈ રહ્યો છે. આ બીમારીમાં સારવાર કરવી મુશ્કેલ છે. તેના લક્ષણો બેકટેરિયલ મેનિન્જાઈટિસ જેવા હોય છે.

માથાનો દુખાવો થાય છે. તાવ આવે છે અને ઉબકા અને ઉલ્ટી પણ થાય છે. જ્યારે મેનેન્જાઈટિસના સામાન્ય કારણોને નકારી કાઢવામાં આવે છે ત્યારે આ બીમારી વધુ ફેલાય છે. બાદમાં મગજનો સોજો વધી જતાં દર્દીનું મોત થાય છે. ગરમ મહિનાઓમાં સ્થિર પાણીમાં જતાં લોકોમાં આ બીમારી વધુ દેખાઈ રહી છે. એકથી નવ દિવસમાં આ બીમારીના લક્ષણો દેખાવા માંડે છે. જો આ બીમારીનું વહેલું નિદાન થાય તો જ જે તે દર્દીને બચાવી શકાય છે.

કેરળમાં ભુતકાળમાં સને 2016માં આ પ્રકારનો પ્રથમ કેસ નોંધાયો હતો. બાદમાં 2023 સુધીમાં આ પ્રકારના ફક્ત 8 જ કેસ કેરળમાં જોવા મળ્યા હતા પરંતુ 2024માં 36 કેસ નોંધાયા અને તેમાં 9ના તો મોત થઈ ગયા. બાદમાં આ વર્ષે કેસમાં ફરી ઉછાળો જોવા મળ્યો અને 69 કેસ નોંધાવાની સાથે 19ના મોત થઈ ગયા છે. જે 100 ટકાનો વધારો સુચવે છે. કેરળમાં આ બીમારીના વધી રહેલા કેસ દેશ માટે જોખમકારક છે.

શરુઆતમાં કેરળના બે જિલ્લામાંથી આખા રાજ્યમાં પ્રસરી ગયેલી આ બીમારી ગમે ત્યારે આખા દેશમાં ફેલાઈ શકે છે. આ માટે કેરળની સરકારની સાથે સાથે ભારત સરકારે પણ સાવચેતીના પગલા લેવાની શરૂઆત કરવાની જરૂરીયાત છે. આ રોગને થતો અટકાવવા માટે લોકોમાં જાગૃતિ જ જરૂરી છે. જો જાગૃતિ આવશે તો આ બીમારીને થતી અને ફેલાતી અટકાવી શકાશે. મગજને કોરી ખાતી આ બીમારીમાં મોતનો ઉંચો દર એ ખૂબ જ જોખમકારક છે. હાલમાં માત્ર કેરળ રાજ્ય પૂરતી જ મર્યાદિત આ બીમારી ગમે ત્યારે મહામારીનું સ્વરૂપ લઈ શકે તેમ છે. જો સરકાર નહીં જાગે અને પગલાઓ નહીં લે તો ભવિષ્યમાં ભારત સામે મોટું જોખમ ઉભેલું છે તે નક્કી છે.

Most Popular

To Top