145 સિક્યુરિટી ગાર્ડની જરૂરિયાત માટે GISF પાસેથી 1 વર્ષ માટે સુરક્ષા સેવા લેવાશે
ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (GISF) પાસેથી ટેન્ડર વગર સિક્યુરિટી ગાર્ડની સેવા લેવા સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગનો પરિપત્ર
વડોદરા મહાનગરપાલિકાની વિવિધ શાખાઓમાં માલ-મિલકતોની સુરક્ષા માટે ખાલી પડેલી જગ્યાઓ પર ખાનગી સિક્યુરિટી ગાર્ડની સેવાઓ લેવામાં આવી રહી છે. હાલ, વાર્ષિક ઇજારાના ધોરણે લેવામાં આવતી ખાનગી સિક્યુરિટી સેવાઓની મુદત 31 માર્ચ 2025ના રોજ પૂર્ણ થઈ ગઈ છે. ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગના પરિપત્ર અનુસાર, ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (GISF) પાસેથી ટેન્ડર વગર સિક્યુરિટી ગાર્ડની સેવા લેવા ઠરાવ કરવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક સમયથી ખાનગી એજન્સી દ્વારા આપવામાં આવતી સુરક્ષા સેવાની ગુણવત્તામાં સતત ઘટાડો જોવા મળતો રહ્યો છે. ઉત્તર ઝોનમાં ખાસ કરીને ખંડેરાવ માર્કેટ, સયાજીબાગ, સયાજીબાગ ઝૂ, સયાજીબાગ ગેટ નં-4, ડે.મ્યુનિ.કમિશનરની કચેરી અને સીટી કમાન્ડ એન્ડ કન્ટ્રોલ કેન્દ્ર જેવા મહત્વના સ્થાનોની સુરક્ષા માટે કુલ 145 સિક્યુરિટી ગાર્ડ, 3 ગનમેન અને 6 સુપરવાઈઝરની જરૂરિયાત જણાઈ રહી છે.
GISF દ્વારા અનુરોધપત્ર મોકલી રજૂ કરવામાં આવ્યું છે. તેના આધારે અંદાજીત ખર્ચ રૂ.6 કરોડ માટે 1 વર્ષ માટે સિક્યુરિટી ગાર્ડની સેવા લેવાની દરખાસ્ત મંજૂર કરવા મ્યુનિસિપલ કમિશ્નરને સુપર્ત કરવામાં આવી છે. આ ખર્ચ ખાનગી સિક્યુરિટી કર્મચારીઓના પગાર ખર્ચ હેઠળ 2025-26ના બજેટમાં માન્ય એકાઉન્ટ કોડ દ્વારા વિતરણ કરવામા આવશે. મુખ્ય કારણ એ છે કે નિયમિત રીતે પાલિકાના કાયમી વોચમેન કર્મચારીઓની નિવૃત્તિ અને અન્ય કારણોથી કર્મચારી સંખ્યા ઘટતી જાય છે. આ સાથે, જરૂરીયાત મુજબ વધ-ઘટના આધારે સુરક્ષા કર્મચારીની સેવા લેવામાં આવશે.