*ચેરિટી કમિશનર દ્વારા યુનાઇટેડ વે ઓફ બરોડાના ટ્રસ્ટીઓની મુદ્ત પૂરી થયા અંગે વચગાળાનો હૂકમ અને સૂનાવણી આગામી તા.24સપ્ટેમ્બરે કરાશે*
*યુનાઈટેડ વે ઓફ બરોડામાં ટ્રસ્ટીઓનો કાર્યકાળ પૂર્ણ થઇ ગયો હોવા છતાં ગરબાનું આયોજન કરવા સામે વચગાળાની અરજી કરાઇ હતી*
*બુધવારે વડોદરા ચેરિટી કમિશનર સમક્ષ બપોરે એક વાગ્યાથી બંને પક્ષોની રજૂઆત દલીલ સાંજે પાંચ વાગ્યા સુધી ચાલ્યા બાદ આગામી તા.24 સપ્ટેમ્બર ની સુનવણીની મુદત આપવામાં આવી*
(પ્રતિનિધિ) વડોદરા તા.17
યુનાઈટેડ વે ઓફ બરોડા ના ટ્રસ્ટીઓનો કાર્યકાળ પૂર્ણ થયા છતાં પોતાને ટ્રસ્ટી તરીકેની ઓળખ આપી કોઇપણ પ્રકારના આર્થિક વ્યવહાર કરે નહીં કે કરાવે નહીં તથા આ બાબતે અંતિમ નિર્ણય ન લેવાય ત્યાં સુધી યુનાઈટેડ વે ઓફ બરોડા દ્વારા વર્ષોથી આયોજિત થતાં ગરબાની કોઇપણ પ્રકારની આવકની રકમ યુનાઈટેડ વડોદરા ફાઉન્ડેશન નામની સંસ્થામાં ન કરાય તે માટેની ચેરિટી કમિશનર ને બે અરજદારો દ્વારા કરવામાં આવેલી બુધવારે સુનવણી પ્રક્રિયા બાદ ચેરિટી કમિશનર દ્વારા સદર કામનો વચગાળાનો હૂકમ કરી આગામી તા 24 સપ્ટેમ્બરે સુનાવણી અંગેની માટે મુદ્ત આપી છે.
શહેરના સૌથી મોટા ગરબા એટલે યુનાઈટેડ વે ઓફ બરોડા દ્વારા વર્ષોથી યોજાતા ગરબા દર વર્ષે કોઇને કોઇ કારણોસર વિવાદમાં જોવા મળે છે ત્યારે આ વર્ષે શહેરના બે અરજદારો જેમાં વકીલાતના વ્યવસાય સાથે જોડાયેલા જીતીક્ષા રાવલ તથા હર્ષ પી.પંડ્યા દ્વારા ચેરિટી કમિશનર અને વડોદરા શહેર પોલીસ કમિશનર ને અરજી સાથે રજૂઆત કરવામાં આવી હતી જેમાં યુનાઈટેડ વે ઓફ બરોડા ના 15 ટ્રસ્ટીઓનો ટ્રસ્ટી તરીકેનો કાર્યકાળ ગત તા.07 ઓગસ્ટ 2025 ના રોજ પૂર્ણ થઇ ગયો હોય તેઓ પોતાની ઓળખ ટ્રસ્ટી તરીકે આપી કોઇ પણ આર્થિક વ્યવહારો કરે નહીં કે કરાવે નહીં તેમજ આ સમગ્ર મામલે જ્યાં સુધી અંતિમ નિર્ણય ન આવે ત્યાં સુધી યુનાઈટેડ વે ઓફ બરોડા દ્વારા વર્ષોથી આયોજિત થતાં ગરબાની કોઇપણ પ્રકારની આવકની રકમ યુનાઈટેડ વડોદરા ફાઉન્ડેશન નામની સંસ્થામાં ટ્રાન્સફર ન કરાવે તેમજ ટ્રસ્ટીઓનો કાર્યકાળ પૂર્ણ થઇ ગયો હોય સંસ્થા દ્વારા આ વર્ષે આયોજિત મહોત્સવ ચેરિટી કમિશનર અને પોલીસ વિભાગની દેખરેખ હેઠળ કલેકટર ની સૂચના મુજબ યોજવામાં આવે, આ સમગ્ર મામલે જ્યાં સુધી અંતિમ નિર્ણય ન લેવાય ત્યાં સુધી સંસ્થાના તમામ આર્થિક નાણાંકીય વ્યવહારો ચેરિટી કમિશનર દ્વારા નિયુક્ત અધિકારી દ્વારા જ કરવામાં આવે તેવી રજૂઆત સાથે અરજી કરવામાં આવી હતી જેમાં સંસ્થાના કામે પડતર તપાસ અરજી અંગે બે વર્ષથી પડતર તપાસ ઝડપી પૂરી કરી ચેરિટી કમિશનર ને અહેવાલ કરવામાં આવે તે માટે ની રજૂઆત કરવામાં આવી હતી જેની સુનાવણી ચેરિટી કમિશનર સમક્ષ બુધવારે બપોરે એક વાગ્યાથી શરૂ થઇ હતી જેમાં યુનાઈટેડ વે ઓફ બરોડા તરફથી વકીલ એસ.આઇ.પટેલ જ્યારે બે અરજદારો તરફે એડવોકેટ અનંત ક્રિશ્ચયન દ્વારા જરૂરી પૂરાવા સાથે દલીલો કરવામાં આવી હતી જેમાં ચેરિટી કમિશનર દ્વારા સદર કામનો વચગાળાનો હુકમ કર્યો છે અને આગામી તા.24 સપ્ટેમ્બર,2025 ના રોજ સુનવણી અંગેની મુદત આપવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, યુનાઈટેડ વે ઓફ બરોડા અવારનવાર વિવાદોમાં જોવા મળે છે. શહેરના લોકો નવરાત્રી દરમિયાન ગરબા રમવા મોંઘાદાટ પાસ ખરીદે છે પરંતુ અહીં ગરબા ખેલૈયાઓને ગરબા ગ્રાઉન્ડમાં કાંકરા વાગવાની ઘટના,સ્ટેજ તૂટવાની ઘટના, ગતવર્ષે પણ ખેલૈયાઓને કાદવ કીચડમાં થી ગરબા મેદાનમાં અવરજવર કરવા, ગરબા કીચડમાં રમવાથી મોંઘા કપડાં ખરાબ થતા વિરોધ નો સામનો કરવો પડ્યો હતો. પાર્કિંગ ની ગેરવ્યવસ્થા સાથે જ અહીં બાઉન્સરો દ્વારા વગર પાસે પોતાના ઓળખીતાઓને અંદર ગરબામાં પ્રવેશ આપવાના પણ આક્ષેપો થયા હતા.