ગણેશ ચોકડી પાસે ટ્રાફિક બેરિકેડ સાથે કાર અથડાવી
(પ્રતિનિધિ) આણંદ તા.17
આણંદ શહેરની ગણેશ ચોકડી પાસે રોંગ સાઈડે ઘુસી ગયેલી કાર અંગે તપાસ કરતાં રાજાપાઠમાં વકિલ પકડાયો હતો. આ અંગે આણંદ શહેર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આણંદ શહેર ટ્રાફિક શાખાના કોન્સ્ટેબલ અલ્પેશભાઈ રમણભાઇ સહિતની ટીમ 16મીની સાંજે ગણેશ ચોકડી પાસે ટ્રાફિક નિયમન કરાવી રહી હતી. તે દરમિયાન ચિકોધરા ચોકડી તરફથી કાર ધસી આવી હતી અને ગાડી રેલાઇને ચાલતી હોય તેવું લાગતાં તેને રોકવા ઇશારો કર્યો હતો. જોકે, ચાલકનો કાર પર કાબુ ન હતો અને ગણેશ ચોકડીથી અમૂલ ડેરી તરફ જતા રોંગ સાઇડ બીજા વાહન ચાલકોની જીંદગી જોખમાય તે રીતે ઘુસાડી હતી. પરંતુ થોડા અંતરે લોખંડની બેરીકેડને કાર અથડાતાં રોકાઇ ગઇ હતી. આથી, ટ્રાફિક પોલીસની ટીમ તુરંત દોડી હતી અને કારમાં તપાસ કરતાં ચાલક નશાની હાલતમાં જોવા મળ્યો હતો.
તેની પુછપરછ કરતાં તે જયદીપસિંહ ગોવિંદસિંહ વાઘેલા (ઉ.વ.53, રહે. જી-સેટ કોલેજ સ્ટાફ ક્વાટર્સની સામે, વિદ્યાનગર) હોવાનું જણાવ્યું હતું. પ્રાથમિક તપાસમાં જ જયદીપસિંહ રાજાપાઠમાં જણાયાં હતાં. આથી, પોલીસે સ્થળ પર જ કાર્યવાહી કરી જયદીપસિંહ વાઘેલાની અટક કરી તેમના સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.