અપહરણકારો દ્વારા પુત્રને બંધક બનાવી શારીરિક શોષણ કરવામાં આવી રહ્યું હોવાનો પિતાનો આક્ષેપ
પુત્રને વિદેશમાં નોકરી કરવા મોકલતા માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો
વડોદરા તારીખ 17
વડોદરા શહેરના સમા વિસ્તારમાં રહેતો યુવક થાઈલેન્ડ ખાતે એજન્ટનો સંપર્ક કરીને નોકરી માટે ગયો હતો. પરંતુ છેલ્લા આઠ નવ મહિનાથી આ યુવકનો કોઈ અતો પતો નથી. માતા-પિતા સાથે પુત્રનો સંપર્ક નહીં થતા તેઓએ ચિંતિત થઈને સમા પોલીસ અને પોલીસ કમિશનરને અરજી આપી જણાવ્યું છે કે તેમના પુત્રને વિદેશમાં બંધક બનાવીને તેનું શારીરિક શોષણ કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત બળજબરીપૂર્વક કોઈ ગેરકાયદે કામ પણ કરાવવામાં આવી રહ્યું હોય વડોદરા પોલીસ કમિશનર તથા ગુજરાત સરકાર સમક્ષ વહેલી તકે તેમના પુત્રને પરત લાવી આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.
શહેરના સમા વિસ્તારમાં રહેતા નાગરભાઇ રાણપરાએ સમા પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે કે, ત્રણ પહેલા મારો પુત્ર તુષારભાઈ રાણપરા ધંધા અર્થે દુબઈ ગયો હતો. ત્યાં કોઈ કંપનીમાં નોકરી કરતો હતો. ત્રણથી ચાર મહિના બાદ મારા પુત્રને કોઈ એજન્ટ સાથે સંપર્ક થયો હતો ત્યારે તેણે આ યુવકને વધુ પગારની લાલચ આપીને થાઈલેન્ડ લઈ ગયા હતા. ત્યાં મારા પુત્ર સહિતના લોકોને બંધક બનાવીને કામ કરાવવામાં આવી રહ્યું છે. જ્યાં મારા પુત્રને રાખવામાં આવ્યો છે ત્યાં મોટા મોટા સ્ટ્રક્ચર વચ્ચે મોટી દીવાલોના બાંધકામ નીચે કામ કરાવવામાં આવી રહ્યું છે.જ્યારે મારો પુત્ર અમને વિડિયો કોલ કરતો હતો ત્યારે તે બતાવતો હતો કે તેમને એક જગ્યા પર રાખવામાં આવ્યા ત્યાં અંદર કોઇ આવી ન શકે તેના માટે મોટા બાઉન્સર ગોઠવી દેવામાં આવ્યા છે તથા ડોગ્સનો પહેરો રાખવામાં આવ્યો છે. ત્યારે મારા પુત્રનું વિદેશમાં અપહરણ કરીને તેને બંધક બનાવી ગેરકાયદે કૃત્ય કરવામાં આવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. વડોદરા શહેર પોલીસ કમિશનર તથા ગુજરાત અને કેન્દ્ર સરકાર દ્વારા વહેલામાં વહેલીતકે મારા પુત્રને પરત સહી સલામત રીતે પરત લાવી આપવામાં આવે તેવી મારી માંગણી છે.
અત્રે ઉલ્લેખનીયછે કે વિદેશ જતા યુવકો માટે આ એક લાલ બત્તી અને ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે.વિદેશ જઈ ને પૈસા કમાવાની લાલચમાં કોઈ પણ પ્રકારની તપાસ કર્યા વગર વિદેશ જવાનું સાહસ અને જોખમ ખેડતા યુવકો માટે આ તુષાર રાણપરાનો કિસ્સો દાખલારૂપ છે.
એસીપી જી બી બાંભણિયાએ જણાવ્યું છે કે સમા વિસ્તારમાં રહેતા તુષાર રાણપરા નામના યુવકને થાઈલેન્ડ ખાતે બંધક બનાવીને તેનું શોષણ કરવામાં આવતું હોય એવી અરજી તેના પિતાએ આપી છે. ત્યારે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંમ્હા કોમાર દ્વારા આ અરજીની તપાસ ક્રાઈમ બ્રાન્ચની ટીમને સોંપવામાં આવી છે.