Editorial

ચીન સાથે ટ્રમ્પનું આકરું વર્તન કેટલો સમય ચાલી શકશે?

છેલ્લા કેટલાક મહિનાથી અમેરિકી પ્રમુખ ટ્રમ્પ અને તેમના નજીકના કેટલાક સાથીદારો ભારત સાથે સખત શત્રુતાનું વર્તન કરી રહ્યા હતા. રશિયન ઓઇલ ખરીદવા બદલ ભારતને ધમકીઓ આપી રહ્યા હતા અને ભારત પર આકરા ટેરિફ પણ લાદ્યા. ભારતને ધાકધમકી આપીને, અપમાનિત કરીને અને છેવટે વધારાના ટેરિફ લાદીને તેઓ શિક્ષા કરી રહ્યા હતા અને રશિયા પાસેથી મોટા પ્રમાણમાં ઓઇલ ખરીદનાર ચીનને આવા સખત પગલાઓથી બાકાત રાખી રહ્યા હતા.

જો કે રશિયન ઓઇલ ખરીદવા બદલ મહિનાઓ સુધી ભારતની પાછળ પડી ગયા પછી અને શિક્ષાત્મક ટેરિફો ભારત પર ઝિંક્યા પછી અમેરિકી પ્રમુખ ટ્રમ્પ હવે તેમની તોપનું નાળચું ચીન તરફ ફેરવી રહ્યા છે. ટ્રુથ સોશ્યલ મીડિયા પર તેમની  નવીનતમ પોસ્ટમાં ટ્રમ્પે ગર્જના કરી છે કે નાટો રાષ્ટ્રોએ રશિયા પાસેથી ઓઇલ ખરીદવાનું બંધ કરવું જ જોઇએ અને તેના પર મોટા પ્રતિબંધો લાદવામાં એકતા બતાવવી જોઇએ, જ્યારે કે ટ્રમ્પે તેમને ચીન પર પ૦ ટકાથી ૧૦૦ ટકા ટેરિફ  પણ લાદવાની હાકલ કરી છે.

તેમની અત્યાર સુધીની સૌથી સીધી ટિપ્પણીમાં, ટ્રમ્પે કહ્યું કે તેઓ પ્રતિબંધો પર આગળ વધવા માટે તૈયાર છે, જેની રશિયાના નાણાકીય બાબતો પર વિનાશક અસર પડી શકે છે – પરંતુ આખરે નિર્ણય નાટો સાથીઓના હાથમાં છોડી દીધો  હતો. જો કે, તેમની માંગની સૌથી તીવ્ર ધાર બેઇજિંગ માટે અનામત હતી. મારું માનવું છે કે નાટો એક જૂથ તરીકે, રશિયા અને યુક્રેનના યુદ્ધ પછી ચીન પર 50 ટકાથી 100 ટકા ટેરિફ મૂકે તો  આ  યુદ્ધને સમાપ્ત  કરવામાં પણ ખૂબ મદદ મળશે, એમ તેમણે ઉમેર્યું હતું.

આ માંગણી એક તદ્દન ઉલટું વલણ દર્શાવે છે:  તાજેતરમાં સુધી, ટ્રમ્પ દ્વારા ચીન પર 30 ટકા હળવો ટેરિફ લાદવામાં આવ્યો હતો જ્યારે ભારત પર 50 ટકા ડ્યુટી લાદી હતી. ટ્રમ્પનું વર્તન હાલમાં ચીનમાં યોજાઇ ગયેલ એસસીઓની બેઠક પછી બદલાયેલું જણાય છે. આ બેઠકમાં જિનપિંગ, મોદી અને પુટિનની મિત્રાચારી જોયા બાદ કદાચ ટ્રમ્પને ફાળ પડી. આ બેઠક પછી ટ્રમ્પે કબૂલ્યું પણ ખરું કે અમેરિકાએ ભારતને ચીન અને રશિયા સામે ગુમાવી દીધું છે. તેઓ ત્યારથી ભારત પ્રત્યે કૂણા બન્યા છે. જો કે પ્રશ્ન એ પણ ઉપસ્થિત થાય કે શું ટ્રમ્પને અગાઉથી એવો કોઇ અંદાજ ન હતો કે ભારત ચીન તરફ સરકી શકે છે? કદાચ ચીન સાથેની ભારતની શત્રુતાને કારણે તેઓ ભૂલાવામાં રહી ગયા હોઇ શકે છે.

અમેરિકાની ધમકીઓથી ચીન જો કે ડરી જાય તેમ નથી. રશિયન તેલ ખરીદવા બદલ બેઇજિંગ પર 50-100% ટેરિફ લાદવાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રસ્તાવ પર ચીને અમેરિકા પર વળતો પ્રહાર કર્યો છે. ગરમ મુદ્દાઓના ઉકેલ માટે બેઇજિંગ શાંતિ વાટાઘાટોને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ  છે તે વાતનો પુનરોચ્ચાર કરતા, ચીનના વિદેશ પ્રધાન વાંગ યીએ કહ્યું છે કે યુદ્ધો સમસ્યાઓનું નિરાકરણ લાવી શકતા નથી અને ભાર મૂક્યો છે કે પ્રતિબંધો ફક્ત તેમને જટિલ બનાવશે.

ચીન અને યુરોપ હરીફોને બદલે મિત્રો હોવા જોઈએ, અને એકબીજાનો મુકાબલો કરવાને બદલે સહયોગ કરવો જોઈએ. સદીમાં થયેલા સૌથી મોટા ફેરફારો વચ્ચે યોગ્ય પસંદગીઓ કરવાથી બંને પક્ષોએ ઇતિહાસ અને લોકો પ્રત્યેની  જવાબદારીઓ પૂર્ણ કરવી જોઈએ, એમ વાંગ યીએ કહ્યું છે. તેમનો આ છૂપો સંદર્ભ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે નાટો દ્વારા ચીન પર ૫૦ ટકાથી ૧૦૦ ટકા સુધીના ટેરિફ લાદવાનો પ્રસ્તાવ મૂક્યાના  થોડા સમય પછી આવ્યો છે. ચીન પોતાની જાતને શાંતિદૂત તરીકે રજૂ કરે છે પણ ભારત સહિતની સરહદે તેના માથાભારેપણાનો ઇતિહાસ જાણીતો છે. હવે અમેરિકા અને ચીનના સંબંધોમાં કેવો વળાંક આવે છે તે જોવાનું રહે છે.

Most Popular

To Top