ઓલ્ડ પાદરા રોડ પર મેગા દબાણ હટાવો ઓપરેશન
મંગળ બજાર-ચાર દરવાજા વિસ્તારમાં હંગામી દબાણોનો સફાયો, ચાર ટ્રક જેટલો માલ કબજે
વડોદરા: શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ઓલ્ડ પાદરા રોડ પર રિલાયન્સ મોલની પાછળના વિસ્તારોમાં પાલિકાની દબાણ શાખા દ્વારા મંગળવારે વહેલી સવારથી મેગા ઓપરેશન હાથ ધરાયું હતું. ટાઉન ડેવલપમેન્ટ ઓફિસરના નેજા હેઠળ કાર્યરત ટીમે બે બુલડોઝર સાથે ઝૂંપડપટ્ટીથી લઈ કાચા તેમજ પાક્કા ગેરકાયદે બાંધકામો પર કાર્યવાહી હાથ ધરી હતી.

સ્થાનિક સોસાયટીઓના આંતરિક માર્ગો પર ગેરકાયદે ઊભા કરાયેલા કમ્પાઉન્ડ વોલ, પાણીની ટાંકીઓ, ટોયલેટ-બાથરૂમ, દુકાનો અને શેડ સહિત લગભગ 35 જેટલા દબાણોને તોડી પાડવામાં આવ્યા હતા. ઓપરેશનની માહિતી મળતાં જ મોટી સંખ્યામાં સ્થાનિક લોકો તેમજ દુકાનદારો ઘટનાસ્થળે એકત્ર થયા હતા. શરૂઆતમાં દબાણ શાખાના કર્મચારીઓ સાથે આંતરિક તણાવ સર્જાયો હતો, પરંતુ તૈનાત પોલીસ બંદોબસ્તે પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી.

કાર્યવાહી માટે એસઆરપી કાફલો તેમજ જેપી પોલીસ સ્ટેશનનો સ્ટાફ તૈનાત કરાયો હતો. પોલીસ કાફલાની હાજરીને કારણે ટકરાવની પરિસ્થિતિ ઊભી ન થઈ હતી, પોલીસ દ્વારા સમજાવટ બાદ લોકો ઘટના સ્થળેથી હટતા તંત્રે નિરાંતે દબાણો તોડી કાઢ્યાં. કાર્ય દરમિયાન સર્જાયેલા અવરોધ છતાં અંતે તંત્રની ઝુંબેશ સફળ સાબિત થઈ હતી.
મહાનગરપાલિકા તંત્રે એ શહેરના મધ્ય વિસ્તારમાં આવેલી મંગળ બજાર અને ચાર દરવાજા વિસ્તારમાં પણ ઝુંબેશ ચલાવી હતી. અહીં ટ્રાફિક જામની અવારનવાર સમસ્યા ઊભી થવાથી દબાણો માથાનો દુખાવો બની રહ્યાં હતાં. હંગામી ગેરકાયદે દબાણોને દૂર કરીને ચાર ટ્રક જેટલો માલસામાન કબજે લેવાયો હતો.
દબાણ હટાવાની કાર્યવાહી બાદ તંત્રે સ્થળ પરથી તૂટી પડેલા કાટમાલને પણ હટાવી તાત્કાલિક ધોરણે સફાઈ કરી નાખી હતી.
પાલિકાએ મેળવેલી ફરિયાદોના આધારે આ ઓપરેશન હાથ ધરાયું હોવાનું તંત્રે જણાવ્યું હતું. ઓલ્ડ પાદરા રોડ તથા મંગળ બજાર-ચાર દરવાજા વિસ્તારના દબાણો હટાવાતા માર્ગોમાંથી ટ્રાફિક અવરજવર સરળ બનશે.