પંદર દિવસમાં બે ગ્રહણ પ્રાપ્ત થતાં હોય વૈશ્વિક સ્તરે અસરો જોવા મળશે
ભાદરવા વદ અમાસ ને તા.21 સપ્ટેમ્બરે રાત્રે 10:59 કલાકે સૂર્ય ગ્રહણનો પ્રારંભ થશે અને તા.22 સપ્ટેમ્બર ની વહેલી પરોઢે 3:23 કલાકે ગ્રહણ પૂર્ણ થશે
(પ્રતિનિધિ) વડોદરા તા.15
આગામી તા.21 સપ્ટેમ્બર,2025 ને રવિવારે સૂર્યગ્રહણ થવાનું છે પરંતુ આ સૂર્ય ગ્રહણ ભારતમાં દેખાવાનું ન હોય ધાર્મિક દ્રષ્ટિએ પાળવાનું રહેશે નહીં. પંદર જ દિવસમાં બે ગ્રહણ પ્રાપ્ત થતાં હોવાને કારણે વૈશ્વિક સ્તરે તેની અસરો જોવા મળી શકે છે.આ સૂર્ય ગ્રહણ ખાસ કરીને પેસિફિક મહાસાગર, ન્યૂઝિલેન્ડ, ઓસ્ટ્રેલિયા,ફીજી તથા એટલાન્ટિકા વિગેરે દેશમાં જોવા મળશે.ભારતીય સમય મુજબ રાત્રી દરમિયાન આ સૂર્ય ગ્રહણ થવાનું હોય સૂતક કે વેધાદિના નિયમો પાળવાના નથી.
જ્યોતિષાચાર્ય શાસ્ત્રી નયનભાઇ જોશીના જણાવ્યા અનુસાર તા. 07 સપ્ટેમ્બર,2025, ભાદરવા સુદ પૂનમ ને રવિવારે ખગ્રાસ ચંદ્રગ્રહણ થયું હતું જે ભારતમાં દેખાયું હતું માટે ધાર્મિક રીતે ચંદ્ર ગ્રહણ પાળવામાં આવ્યું હતું હવે પંદર દિવસ બાદ એટલે કે આગામી તા.21 સપ્ટેમ્બર,2025, ભાદરવા વદ અમાસ ને રવિવારે સૂર્યગ્રહણ થવા જઇ રહ્યું છે. આમ ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ પંદર જ દિવસમાં પ્રાપ્ત થતાં હોય તેની વૈશ્વિક સ્તરે અસરો જોવા મળી શકે છે.
આગામી તા.21 મી સપ્ટેમ્બર,2025ને રવિવારે ભાદરવા વદ અમાસ ના રોજ રાત્રે 10:59 કલાકે સૂર્ય ગ્રહણનો પ્રારંભ થશે અને તા.22 સપ્ટેમ્બર,2025 ની વહેલી પરોઢે 3:23 કલાકે સૂર્ય ગ્રહણ પૂર્ણ થશે. આ સૂર્ય ગ્રહણ ભારતમાં દેખાવાનું નથી જ્યોતિષશાસ્ત્રના નિયમ મુજબ જ્યાં ગ્રહણ દેખાવાનું હોય ત્યાં જ ધાર્મિક રીતે સૂતક,વેધાદિના નિયમોનું પાલન કરવાનું હોય છે પરંતુ આગામી રવિવારે થનારું સૂર્યગ્રહણ ભારતમાં નહીં દેખાય. આ સૂર્ય ગ્રહણ ખાસ કરીને પેસિફિક મહાસાગર, ન્યૂઝિલેન્ડ, ઓસ્ટ્રેલિયા, ફીજી અને એટલાન્ટિકા વિગેરે દેશમાં જોવા મળશે.
આગામી તા.21 સપ્ટેમ્બર ને રવિવારે થનાર સૂર્યગ્રહણ કન્યા રાશિમાં ઉતરા ફાલ્ગુની નક્ષત્રમાં થઇ રહ્યું છે જેની વૈશ્વિક સ્તરે અસરો જોવા મળી શકે છે. ભારતમાં સૂર્ય ગ્રહણ નહીં દેખાય પરંતુ વૈશ્વિક અસરો લાગુ પડશે જેમકે, મોંઘવારી વધશે, લોખંડ, પેટ્રોલ,અનાજ, કઠોળ સહીત કૃષિ પેદાશો મોંઘા થશે તદ્પરાંત સોના ચાંદીના ભાવોમાં અસ્થિરતા સર્જાઇ શકે છે તથા આગામી સમયમાં સોના ચાંદીના ભાવોમાં વધારો થશે. ભૂકંપ જેવી ઘટનાઓ, વિશ્વના કેટલાક દેશોમાં અરાજકતા જોવા મળે. રાજકીય સ્તરે પણ અસર જોવા મળે સાથે જ સેલિબ્રિટી પર પણ અસરો જોવા મળી શકે છે. સૂર્ય ગ્રહણ ભારતમાં દેખાશે નહીં પરંતુ સાધકોએ ‘ હ્રીં સૂર્યાય નમઃ’ ના જાપ કરવા જોઈએ તથા આદિત્ય હ્રદય સ્તોત્ર ના પાઠ કરવા ઉત્તમ રહે. રવિવાર એ સૂર્યનો વાર ગણાય છે સાથે જ રવિવારે જ સૂર્યગ્રહણ હોય સાધકોએ આદિત્ય હ્રદય સ્તોત્ર નો પાઠ કરવાથી નિરોગી અને દીર્ઘાયુ પ્રાપ્ત કરી શકાય છે સાથે જ દરેક ક્ષેત્રે વિજયની પ્રાપ્તિ થાય છે.
વૈજ્ઞાનિક રીતે જોઈએ તો સૂર્યગ્રહણ એ એક પ્રાકૃતિક ઘટના છે જેમાં સૂર્યનો પ્રકાશ અવરોધાય છે અને પૃથ્વી પર અંધારું છવાય છે. તે ત્યારે થાય છે જ્યારે પૃથ્વીનો કોઈ ભાગ ચંદ્ર હેઠળ છાયામાં પડેલો હોય છે જે સૂર્યપ્રકાશને સંપૂર્ણ અથવા આંશિક રૂપે અવરોધે છે. જ્યારે સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી એક જ રેખામાં આવે છે ત્યારે સામાન્ય રીતે સૂર્યગ્રહણ થાય છે.