સ્ક્રિનિંગ કર્યું હોવા છતાં પરીક્ષાર્થી પાસે મોબાઇલ કેવી રીતે આવ્યો ? પેપર લખતી વેળા જ રિંગ વાગી
મહેસૂલ તલાટી -3ની પરીક્ષા માટે ડી એસ પટેલ વિદ્યાલયમાં કેન્દ્ર ફાળવાયું હતું
પ્રતિનિધિ વડોદરા તા.15
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ(GSSSB) દ્વારા તાજેતરમાં મહેસૂલ તલાટી વર્ગ-3ની પરીક્ષા યોજાઇ હતી. જેમાં આજવા રોડ પર આવેલી એસ.ડી.પટેલ વિદ્યાલયમાં કેન્દ્ર ફાળવવામાં આવ્યું હતુ. તમામ ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા હતા. તે દરમિયાન એક ઉમેદવાર પાસે મોબાઇલ હોય ચાલુ ક્લાસમાં જ રિંગ વાગી હતી. નિરીક્ષકે પરીક્ષાર્થીની તલાસી લેતા તેની પાસેથી મોબાઇલ મળી આવ્યો હતો. પોલીસે પરીક્ષાર્થી વિરુદ્ધ પોલીસ કમિશનરના જાહેરનામા ભંગનો ગુનો નોધી કાર્યવાહી હાથ ધરી છે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મહેસૂલ તલાટી વર્ગ 3ની પરીક્ષા યોજાઇ હતી. જેમા શહેરના અલગ અલગ વિસ્તારોમા પરીક્ષા માટે કેન્દ્ર ઉભા કરાયા હતા. જેમા પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવા માટે આવ્યા હતા. આજવા રોડ પર આવેલા ડી એસ પટેલ વિદ્યાલયમાં પણ તલાટી પરીક્ષા દરમિયાન તમામ ઉમેદવારોનું બાયોમેટ્રિક વેરિફિકેશન અને સ્કેનિંગ પૂર્ણ કરીને પરીક્ષા ખંડમાં પ્રવેશ અપાયો હતો. ત્યારબાદ મોબાઈલ ફોન, સ્માર્ટવોચ, બ્લૂટૂથ, કેમેરા, લેપટોપ જેવા કોઈપણ ઈલેક્ટ્રોનિક સાધનો કે પરીક્ષા સંબંધિત સાહિત્ય લઈ જવા પર સખત મનાઈ ફરમાવતી લાઉડસ્પીકર દ્વારા સૂચનાઓ પણ અપાઇ હતી.
તમામ ઉમેદવારો પરીક્ષા ખંડમાં પેપર લખી રહ્યાં હતા તે દરમ્યાન પરીક્ષા ખંડમાં ઉમેદવાર સંજયકુમાર રંગીતભાઈ બારીયા (રહે.નાના આંબલિયા, મેથાણ, તા. સિંગવડ, જિ. દાહોદ) પાસે રાખેલા મોબાઇલમાં એકાએક રિંગ વાગવા લાગી હતી. જેથી નિરીક્ષક સોનલબેન જયસ્વાલ દ્વારા પરીક્ષાર્થી પાસે જઇને અંગજડતી કરાઇ હતી ત્યારે તેની પાસેથી કીપેડવાળો મોબાઈલ ફોન મળી આવ્યો હતો. GSSSB ની SOP ગાઈડલાઈન મુજબ ગેરરીતિ આચરતી વેળા પકડાયેલા પરીક્ષાર્થી સંજયકુમારનું પ્રશ્નપત્ર અને ઓએઆર શીટ જપ્ત કરાઇ હતી. દરેક ઉમેદવારોનું સ્ક્રિનિંગ કરાયું હતું તો પછી ઉમેદવાર પાસે મોબાઈલ આવ્યો ક્યાથી તેની પોલીસે તપાસ શરૂ કરી છે.