લક્ષ્મી વિલાસ પેલેસ હેરિટેજ ગરબાના આયોજક મહારાણી દ્વારા પરધર્મીઓના ગરબામાં પ્રવેશ મુદ્દે જવાબ આપવાનું ટાળતા સંત સમાજ અને સનાતન ધર્મ સંગઠનોએ કહ્યુઝ મહારાણીએ સ્પષ્ટ સ્ટેન્ડ લેવું પડશે
વડોદરા: આગામી તા.22 સપ્ટેમ્બરથી શરૂ થતા શારદીય આસો નવરાત્રી પર્વને લઇને સંસ્કારી નગરી વડોદરામાં તડામાર તૈયારીઓ નાના મોટા ગરબા આયોજકો દ્વારા કરી લેવામાં આવી છે. ઘણા ગરબા આયોજકો દ્વારા ઓનલાઇન ગરબા પાસના વિતરણ શરૂ કરી દેવામાં આવ્યા છે ત્યારે બીજી તરફ શહેરમાં લવ જેહાદ, બળાત્કાર,છેડતી જેવી ઘટનાઓ ન બને તેના માટે પોલીસ, મહિલા પોલીસ દ્વારા પણ સુરક્ષા વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે. ગરબાઓમાં પરધર્મીઓને પ્રવેશ ન આપવા મુદ્દે સંત સમાજ અને સનાતન ધર્મ રક્ષા સંગઠનો દ્વારા પણ તમામ ગરબા આયોજકો ને અપીલ કરવામાં આવી છે કે ગરબામાં ફક્ત તિલક સાથે હિન્દુઓને જ પ્રવેશ આપવામાં આવે ત્યારે સોમવારે લક્ષ્મી વિલાસ પેલેસ હેરિટેજ ગરબાના મુખ્ય આયોજક વડોદરાના મહારાણી રાધિકા રાજે ગાયકવાડ દ્વારા વિધર્મીઓને પ્રવેશ ન આપવા તથા તિલક સાથે જ પ્રવેશ મુદ્દે જાહેરમાં ‘નો કોમેન્ટ્સ’ કહેતાં સનાતન સંગઠનો,સંત સમાજ તરફથી તીખી પ્રતિક્રિયાઓ આપવામાં આવી રહી છે. આ લક્ષ્મી વિલાસ પેલેસ હેરિટેજ ગરબા નહીં પરંતુ કોમર્શિયલ ગરબા હોય લોકોને ગરબાનો બોયકોટ કરવા સહિતની અપીલ કરવામાં આવી છે.
મહારાણીએ સનાતન ધર્મના રક્ષણ અને લવ જેહાદને રોકવા માટેના પગલાં અંગે પક્ષ લેવો જોઈએ

નવરાત્રી એ સનાતન સંસ્કૃતિનું અભિન્ન અંગ છે.નવરાત્રી પર્વમાં માતાજીની આરાધના, ઉપાસના થતી હોય છે.જ્યારે પરધર્મીઓના ધર્મમાં ગરબા ફરવા કે રમવા એ કાફરની પ્રવૃત્તિ માનવામાં આવે છે. ત્યારે આ પરધર્મીઓને ગરબામાં પ્રવેશ ન આપવો જોઈએ. વડોદરા શહેરના મહારાણી રાધિકા રાજે દ્વારા લક્ષ્મી વિલાસ પેલેસ હેરિટેજ ગરબા યોજાતા હોય ત્યારે તેમણે અને અન્ય તમામ ગરબા આયોજકોએ પણ લવજેહાદ જેવી ઘટનાઓને રોકવા માટે તથા સનાતન ધર્મ અંગે સ્પષ્ટ પક્ષ લેવા સંત સમાજ તરફથી અપીલ સાથે હાકલ કરીએ છીએ.
* ડો.જ્યોતિર્નાથજી, રાષ્ટ્રીય સનાતન સંત સમિતિ અધ્યક્ષ
લક્ષ્મી વિલાસ પેલેસ હેરિટેજ ગરબા માત્ર કોમર્શિયલ ગરબા છે, જો મહારાણી વિધર્મીઓને ગરબામાં પ્રવેશ મુદ્દે જવાબ આપવાનું ટાળતા હોય તો આ ગરબાનો લોકોએ બોયકોટ કરવો જોઈએ

આપણા સનાતન સંસ્કૃતિમાં માતાજીની નવરાત્રી ને પવિત્ર માનવામાં આવે છે. ભૂતકાળમાં નવરાત્રીના ગરબામાં પરધર્મીઓએ ઘૂસીને લવજેહાદ તથા અન્ય ઘટનાઓને અંજામ આપ્યા છે. ત્યારે આપણી બહેન દીકરીઓની સુરક્ષા અને લવજેહાદ તથા અન્ય ઘટનાઓને રોકવા માટે તમામ ગરબા આયોજકોએ મક્કમ પગલાં લેવા જોઈએ. પરંતુ લક્ષ્મી વિલાસ પેલેસ હેરિટેજ ગરબાના આયોજકને જ્યારે પરધર્મીઓને પ્રવેશ મુદ્દે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જે રીતે ‘નો કોમેન્ટ્સ’ નો જવાબ આપ્યો તેનો અર્થ એ થયો કે આ લક્ષ્મી વિલાસ પેલેસ હેરિટેજ ગરબા માત્ર પ્રોફેશનલ ગરબા છે. જ્યાં ફેશન માત્ર માટે ગરબા યોજવામાં આવે છે. અહીં સનાતન સંસ્કૃતિ કરતાં કોમર્શિયલ ગરબાને પ્રાધાન્ય આપવામાં આવે છે.જો બહેન દીકરીઓની સુરક્ષા મુદ્દે મહારાણી વિધર્મીઓના પ્રવેશ મુદ્દે,તિલક બાદ જ પ્રવેશ મુદ્દે કંઈ બોલવા તૈયાર ન હોય તો જે રીતે ગતરોજ ભારત પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચનો બોયકોટ કરવાની અમારી અપીલ સાથે શહેરના લોકોએ દેશભક્તિ બતાવી ક્રિકેટ મેચ જોવાનું બોયકોટ કર્યું તે જ રીતે આ લક્ષ્મી વિલાસ પેલેસ હેરિટેજ ના પ્રોફેશનલ ગરબાનો બોયકોટ કરવો જોઈએ. મોંઘા પાસીસ ખરીદી જો બહેન દીકરીઓની સુરક્ષા માટે આયોજક પોતે મહિલા અને શહેરના મહારાણી પરધર્મીઓ અંગે સ્પષ્ટતા નથી કરતા તો આ કોમર્શિયલ ગરબામાં લોકોએ ન જવું જોઈએ. તેની જગ્યાએ પારંપરિક રીતે ઉજવાતા ગરબામાં જવાનો જ આગ્રહ રાખે તેવી અપીલ છે.
–મહેન્દ્રસિંહ રાઠોડ, હિન્દુ આગેવાન અને રાષ્ટ્રીય પ્રવક્તા , કરણી સેના