Vadodara

આ વર્ષે યુનાઇટેડ વેના ગરબા રહેશે ફિક્કા, આ રહ્યું કારણ…

અતુલ પુરોહિત સાથે કી બોર્ડ પર હંમેશા સાથ આપતા ગીતકાર, સંગીતકાર ઇકબાલ મીર સહિતના સાથીદારોએ સાથ છોડ્યો

*ઇકબાલ મીરે યુનાઈટેડ વે પણ છોડ્યું, હવે કૈરવી બુચ સાથે જોડાયા*


(પ્રતિનિધિ) વડોદરા તા.15

છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક પ્રકારના વિવાદોને કારણે યુનાઈટેડ વેના ગરબા હવે પોતાની લોકપ્રિયતા ગુમાવી રહ્યા છે. યુનાઈટેડ વેનું આયોજન કથળી ગયું છે, પરંતુ ગરબાપ્રેમી લોકો માટે એકમાત્ર આકર્ષણ જ રહ્યું છે એ છે દેશ વિદેશમાં જાણીતા ગરબા ગાયક અતુલભાઈ પુરોહિતનો કંઠ અને સારા સંગીતકાર, ગીતકાર તથા ગાયક વૃંદ. જે ગરબાને ચાર ચાંદ લગાવી દેતા હતા.

તદ્પરાંત અતુલભાઈ પુરોહિત દેશ વિદેશમાં પણ ગરબા, સુંદરકાંડ સહિતના સંગીતનો કાર્યક્રમ કરતા હતા. ખાસ કરીને યુનાઈટેડ વે ગરબામાં અતુલભાઈ પુરોહિત સાથે ગીતકાર અને સંગીતકાર એવા ઇકબાલ મીર જે રીતે કી બોર્ડ સાથે સંગીત પીરસતા તે સંગીતના સથવારે યુનાઈટેડ વે ના ગરબામાં યુવાધન હિલોળે ચઢતુ.

પરંતુ તેમને છેલ્લા કેટલાક સમયથી અતુલ પુરોહિત સાથે નાના મોટા પ્રશ્નો મુદ્દે મનભેદ શરુ થયો હતો. ઇકબાલ મીર એક માત્ર એવા ગીતકાર અને સંગીતકાર હતા જેઓ સમગ્ર રિધમ ગૃપને લય સાથે જોડી રાખતા હતા પરંતુ અંદરના સૂત્રો કહે છે કે અતુલભાઈ પુરોહિત અંદરખાને ઇકબાલ મીરના વિકલ્પની તલાશ કરતા હતા. બીજી તરફ ઇકબાલ મીરે અતુલ પુરોહિત પાસે એક રજૂઆત મૂકી હતી જેમાં વિદેશ પ્રવાસ દરમિયાન ઇકબાલ મીરને બેક પ્રોબ્લેમ હોવાથી તેમણે અમેરિકા, કેનેડા જેવા દૂરના સફર દરમિયાન બિઝનેસ ક્લાસની ટિકીટનો આગ્રહ કર્યો હતો. તેમને નજીકના વિદેશ ટુર જેવા ઓસ્ટ્રેલિયા, લંડન અને ન્યૂઝીલેન્ડનો વાંધો ન હતો. પરંતુ અમેરિકા અને કેનેડા જેવા દેશોના ટુર માટે બેક પેઇનમાં આરામ રહે તે માટે બિઝનેસ ક્લાસની ટિકીટનો આગ્રહ કર્યો હતો, જે અતુલ પુરોહિતે નકારી કાઢી હતી.

બીજી તરફ હિમાલીબેનના ગૃપમા કી બોર્ડ વગાડતા અમીત નામના કલાકાર ને અતુલભાઈ પુરોહિતે હાયર કર્યો, કારણ કે જ્યાં ઇકબાલ મીર ચારથી પાંચ લાખ રૂપિયા ચાર્જ કરતા હોય ત્યાં અમીત સસ્તામાં એટલે કે એકાદ લાખ રૂપિયામાં મળી રહે. તેમ છતાં ઇકબાલ મીરે અતુલ પુરોહિત ને જણાવ્યું હતું કે, “ભલે તમે અમીતને યુરોપ ટુર પર લઇ જાવ પરંતુ યુનાઈટેડ વેના ગરબા હું કરીશ એ મને કરવા દો” પરંતુ અતુલભાઈ પુરોહિતે ઇકબાલ મીરને સ્પષ્ટ ના પાડીને જણાવ્યું કે “જે વિદેશ ટુર કરે એ જ યુનાઈટેડ વે માં મારી સાથે ગરબા કરશે.” જેથી આખરે ઇકબાલ મીર હવે કૈરવી બુચ સાથે તેમના ગૃપમા ગરબા પ્રેક્ટિસ કરી રહ્યા છે.

વડોદરામાં હવે કૈરવી બુચ પણ શોધતા જ હોય છે કે અતુલભાઈ પુરોહિતના ગૃપમાંથી કલાકારો પોતાના ગૃપમાં આવી જાય. અગાઉ વર્ષ 2019થી 2021 દરમિયાન અતુલભાઈ પુરોહિતના ગૃપના બે મહિલા કલાકારો સીમાબેન,જ્યોતિબેન પણ કૈરવી બુચના ગૃપમાં જતા રહ્યાં છે. આ વર્ષે ઇકબાલ મીરના કારણે યુનાઈટેડ વેના ગરબાનો ચાર્મ જોવા નહીં મળે. એલ આઇ સી દ્વારા સેવાસી ખાતે યોજાતા ગરબામાં અમીતભાઇ કી બોર્ડ પર હતા ત્યારે તે ગરબામાં પબ્લિકે ઇકબાલ મીર ક્યાં છે તેમ પૂછીને હોબાળો કર્યો હતો. ત્યારે આ વખતે યુનાઈટેડ વેના ગરબામાં ખેલૈયાઓને ઇકબાલ મીરના સંગીત વિના મઝા નહીં આવે. અને કદાચ લોકોને મન વગર અહીં ગરબા રમવા આવ્યા હોવાનો પણ અહેસાસ થાય તો નવાઈ નહીં.

Most Popular

To Top