Vadodara

હરણી રોડની અશોકા સ્કૂલ પાસે ટ્રકે રાહદારી મહિલાને અડફેટે લેતાં ઇજાગ્રસ્ત મહિલાનું કમકમાટીભર્યું મોત

શહેરમાં વધુ એક માતેલા સાંઢની માફક દોડતા બેફામ વાહને મહિલા રાહદારીનો ભોગ લીધો

પોતાના બિમાર કાકાની તબિયત જોવા માટે ચાલતા જતાં મહિલાને રસ્તામાં જ કાળ ભરખી ગયો

(પ્રતિનિધિ) વડોદરા તા.14

શહેરમાં રવિવારે હરણી રોડ ખાતે આવેલી અશોકા સ્કૂલ પાસે પોતાના કાકાની તબિયત જોવા માટે હોસ્પિટલ ચાલતા જતી મહિલાને પૂરઝડપે આવેલ ટ્રક ચાલકે અડફેટે લેતાં ઇજાગ્રસ્ત મહિલાનું કમકમાટીભર્યું મોત નીપજયું હતું. સમગ્ર મામલે પરિજનોએ પોલીસને ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ કાર્યવાહી હાથ ધરી છે.

શહેરમાં ફરી એકવાર પૂરઝડપે ચાલતા માતેલા સાંઢની માફક જેવા વાહનોનો કહેર જોવા મળી રહ્યો છે. શહેરમાં એક તરફ ટ્રાફિક નિયમો સખત બનાવવા માટે હેલ્મેટ અને સીટબેલ્ટ સહિતના નિયમો સરકાર અને પોલીસ તથા ટ્રાફિક પોલીસ દ્વારા લાગુ કરવામાં આવી રહ્યાં છે પરંતુ બીજી તરફ શહેર પોલીસ કે ટ્રાફિક પોલીસનો શહેરમાં પૂરઝડપે ચાલતા માતેલા સાંઢની માફક દોડતા વાહનો પર જાણે કોઇ અંકુશ રહ્યો ન હોય તેમ જણાય છે. શહેરના હરણી રોડ ખાતે રવિવારે આવા જ એક બેફામ ટ્રક ચાલકે પુરઝડપે ટ્રક હંકારી હરણી રોડ ખાતે આવેલા અશોકા સ્કૂલ પાસેથી પોતાના કાકાની તબિયત ખબર અંતર પૂછવા ચાલતા જતાં મહિલા ને અડફેટે લેતાં તેઓને પગ, જાંઘ તથા પ્રાઇવેટ પાર્ટ પર ગંભીર ઇજાઓ પહોંચી હતી જેઓનું થોડી જ વારમાં કમકમાટીભર્યું મોત નીપજયું હતું. બનાવની જાણ થતાં ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ મારફતે એસ.એસ.જી.હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા જ્યાં તેઓને ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યા હતા. મૃતક મહિલાનું નામ મીનાબેન શ્યામકુમાર પારવાની ઉ.વ.આશરે 44 વર્ષ હોવાનું તથા તેઓ મૂળ ગોધરાના વતની હતા પરંતુ છેલ્લા કેટલાક સમયથી શહેરના વારસિયા વિસ્તારમાં આવેલી વૈષ્ણવી કોલોનીમાં ભાડેથી રહેવા આવ્યા હતા. તેઓને સંતાનમાં બે દીકરીઓ છે.અકસ્માત બાદ ટ્રક ચાલક હોસ્પિટલ સુધી આવ્યો હતો ત્યારબાદ તે નાસી છૂટયો હોવાનું જાણવા મળ્યું છે.સમગ્ર મામલે પરિજનો દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરુરી તપાસ કાર્યવાહી હાથ ધરી છે.

શહેરમાં છેલ્લા ઘણાં સમયથી અવારનવાર ઓવરસ્પિડ વાહનો બેફામ બની લોકોને અડફેટે લઇ તેઓના મોત નિપજાવી રહ્યા છે અથવા તો ગંભીર રીતે ઇજાગ્રસ્ત કરી કાયમી ખોડખાંપણ વાળા બનાવી રહ્યા છે છતાં શહેર પોલીસ કે ટ્રાફિક પોલીસ પાસે આવા છાટકા બનેલા વાહનચાલકો નો કોઇ ઇલાજ નથી તેવું લાગે છે. શહેરમાં ઠેરઠેર સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલા છે જેના માટે પોલીસ ભવન ખાતે કમાંડ કંટ્રોલ સેન્ટર છે જ્યાં પોલીસ તમામ રસ્તાઓ પર નજર રાખે છે તેમ છતાં બેફામ વાહનો નજરે પડતાં નથી કે તેના પર અંકુશ આવી રહ્યો નથી જેના કારણે હવે નિર્દોષ શહેરીજનો ભોગ બની રહ્યા છે. લોકોને બહાર નિકળવામા ડર લાગે છે. એક તરફ પોલીસ અને ટ્રાફિક પોલીસ દ્વારા તા.15 મી સપ્ટેમ્બર થી માર્ગ સુરક્ષા, સલામતી માટે ટ્રાફિક નિયમોના પાલન માટે ડ્રાઇવ શરુ કરી રહી છે પરંતુ ઓવરસ્પિડ, નશામાં બેફામ ચાલતા વાહનો પર કાયમી અંકુશ ક્યારે આવશે.

Most Popular

To Top