Vadodara

નેશનલ હાઈવે પર જાંબુઆથી પોર તરફ જવાના માર્ગે વાહનોની ગતિ ધીમી પડી

માર્ગ પર ખાડાઓના સામ્રાજ્યથી વાહનચાલકોને હાલાકી

અનેકવખત રજૂઆત છતાં સમસ્યાનું નિરાકરણ કરવા તંત્ર નિષ્ફળ

( પ્રતિનિધી )વડોદરા,તા.14

જાંબુઆ પોર અને બામણગામ બ્રિજ પર ટ્રાફિકની સમસ્યા જટિલ બની છે. આ માર્ગ ઉપર પડેલા ખાડાઓને લઈને કલાકો સુધી ટ્રાફિકજામમાં વાહનચાલકો ફસાઈ રહ્યા છે. અને સમયસર પોતાના સ્થાન પર પહોંચી નહીં શકતા હાલાકીનો સામનો કરવા મજબુર બન્યા છે. ઘણી વખત તો ઇમર્જન્સી વાહનો પણ ટ્રાફિકમાં ફસાયા છે. તેમ છતાં તંત્ર દ્વારા સમસ્યાનું યોગ્ય નિરાકરણ કરવામાં નહીં આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

લાખો કરોડો રૂપિયાના ખર્ચે નવા રોડ રસ્તા બનાવવાની બડાઈઓ મારવામાં આવી રહી છે. પરંતુ, તંત્ર લોકો પાસેથી ટેક્સ વસુલ કર્યા બાદ પૂરતી સવલતો આપવામાં તદ્દન નિષ્ફળ નીવડ્યું છે. શહેર નજીક નેશનલ હાઈવે પર દરરોજ ટ્રાફિકજામ થઈ રહ્યો છે. આ માર્ગ પર સંખ્યા બંધ ખાડા પડી જવાને કારણે વાહનોના પૈડાં ધીમા પડી રહ્યા છે. નેશનલ હાઈવે હોવાથી દરરોજ મોટી સંખ્યામાં અનેક વાહનો પસાર થતા હોય છે. જેઓને વાહનો ધીમા હાંકવાની ફરજ પડી રહી છે. જેના કારણે કલાકો સુધી ટ્રાફિકમાં ફસાઈ રહેવું પડે છે. અગાઉ પણ ઘણી વખત હાઈવે પર ટ્રાફિકજામની સમસ્યા ઉદભવી હતી. હાઈવે અડીને આવેલી સોસાયટીઓમાં રહેતા લોકો દ્વારા વિરોધ પ્રદર્શનો પણ કરવામાં આવ્યા હતા અને તંત્રને જગાડવાનો અનેક વખત પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. શહેર પોલીસ કમિશનરે પણ સ્થળ પર સંબંધિત વિભાગના અધિકારીઓને બોલાવી નિરીક્ષણ કરી લોકોને ટ્રાફિક નિવારવા ખાતરી આપી હતી. જોકે, આજે પણ પરિસ્થિતિ જે સે થેજ જોવા મળી રહી છે. નેશનલ હાઈવે પર જાંબુઆથી પોર તરફ જવાના માર્ગે બ્રિજ પર ખાડાઓ પડી જવાના કારણે ટ્રાફિકજામ થયો હતો. જેના કારણે વાહનચાલકો અટવાયા હતા.

Most Popular

To Top