થોડા દિવસો પૂર્વે મ્યુ.કમિશનરે આજ વિસ્તારમાં રોડ કાર્પેટિંગની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું
ભુવો સત્વરે પૂરવામાં નહીં આવે તો આખો રોડ બેસી જવાની લોકોમાં દહેશત ફેલાઈ

( પ્રતિનિધી )વડોદરા,તા.14
ભુવા નગરી વડોદરા શહેરમાં ફરી ભુવા પડવાનો સિલસિલો શરૂ થયો છે. તેવામાં શહેરના તરસાલીમાં સુસેન સર્કલથી બરોડા ડેરી તરફ જવાના મુખ્ય માર્ગ પર ફરી વખત મોટો ભુવો નિર્માણ પામ્યો હતો. હાલ અકસ્માત ટાળવા માટે આ ભુવાને કોર્ડન કરવામાં આવ્યો છે. જો કે બીજી તરફ આ માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરવા મજબૂર બન્યા છે.

મહાનગર પાલિકા તંત્રની બેદરકારીને કારણે વડોદરા ખાડોદરા નગરી બનવા પામી છે. શહેરના વિવિધ રાજમાર્ગો ઉપર મોટા મોટા ખાડા ગાબડાઓ પડી ગયા છે. જેના કારણે લોકોને હવે કમરોના દુખાવા ઉપડી રહ્યા છે. પ્રથમ વરસાદે જ પાલિકા ની પ્રિમોન્સૂનની કામગીરીની પોલ ઉઘાડી પડવા પામી હતી. ખાડાઓ બાદ હવે ફરી શહેરમાં ભુવા પડવાનો સિલસિલો શરૂ થયો છે. ત્યારે, વડોદરા શહેરના સુસેન સર્કલથી બરોડા ડેરી તરફ જવાના મુખ્ય માર્ગ ઉપર આજે મોટો ભુવો નિર્માણ પામ્યો હતો અગાઉ પણ આ માર્ગ ઉપર ઘણી વખત ભુવાઓ પડી ગયા છે. થોડા દિવસ પહેલા જ રોડ કાર્પેટિંગની કામગીરી ચાલી રહી હતી. જેનું જાતે મ્યુનિસિપલ કમિશનરે નિરીક્ષણ કર્યું હતું. જેના ગણતરીના દિવસો બાદ જ ત્યાંથી થોડેક આગળ આજે વધુ એક ભુવો નિર્માણ પામ્યો હતો. હાલ અકસ્માત ટાળવા માટે આ ભુવાને કોર્ડન કરવામાં આવ્યો છે. જોકે મુખ્ય માર્ગ ઉપર પડેલા ભુવાના કારણે અહીંથી પસાર થતા વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે. અગાઉ પણ ભુવા મામલે વોર્ડ 17ના સ્થાનિક કોર્પોરેટરો નિલેશ રાઠોડ,શૈલેષ પાટીલ, પ્રીતિબેન ભટ્ટ, અને સંગીત બેન પટેલને સ્થાનિક લોકો દ્વારા આ મામલે રજૂઆત કરવામાં આવી હતી. જે બાદ કોર્પોરેટરો દ્વારા અધિકારીઓને તેમજ સભામાં પણ રજૂઆત કરવામાં આવી છે. જોકે હાલ પાલિકામાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરનું રાજ હોય કોર્પોરેટરો પણ પ્રજાકીય પ્રશ્નોનું નિરાકરણ લાવવા શોભાના ગાંઠિયા સમાન બન્યા છે.