National

‘શું 26 લોકોના જીવ કરતાં પૈસા વધુ કિંમતી છે?’, ભારત-પાકિસ્તાનની મેચ પર અસદુદ્દીન ઓવૈસીનો સવાલ

દુબઈમાં આજે એશિયા કપ 2025નો મેગા મુકાબલો ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહ્યો છે. કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી આ પહેલી વાર છે જ્યારે બંને દેશો સામસામે રમવા ઉતરવાના છે. આ કારણે ક્રિકેટની સાથોસાથ રાજકીય ગરમાવો પણ વધી ગયો છે.

AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ મોદી સરકારને નિશાન બનાવીને કહ્યું કે “શું પાકિસ્તાન સામેની મેચમાંથી મળતો આર્થિક લાભ પહેલગામ હુમલામાં જાન ગુમાવનાર 26 લોકોના જીવ કરતાં વધુ કિંમતી છે?. ઓવૈસીએ સવાલ કર્યો કે જો સરકાર કહે છે કે લોહી અને પાણી એક સાથે વહેતા નથી, વાતચીત અને આતંકવાદ એક સાથે ચાલી શકતા નથી, તો પછી ક્રિકેટ મેચમાંથી મળતા હજારો કરોડો રૂપિયાને પ્રાથમિકતા કેમ અપાઈ રહી છે?”

તેમણે આસામના સીએમ હિમંત બિસ્વા શર્મા અને યુપીના સીએમ યોગી આદિત્યનાથને પણ સીધો સવાલ પૂછ્યો કે શું તેઓ પાસે પાકિસ્તાન સામે રમવાનો ઇનકાર કરવાની શક્તિ નથી? ઓવૈસીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તેઓ હંમેશા શહીદ નાગરિકોના પરિવાર સાથે ઊભા છે અને પૈસા કરતાં માનવ જીવન વધુ મહત્વપૂર્ણ છે.

આ મુદ્દે વિપક્ષે પણ સરકારની ટીકા કરી છે. કોંગ્રેસના નેતા અભિષેક દત્તે આ મેચની ટીકા કરતાં જણાવ્યું કે ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ રમવાનો નિર્ણય સરકારના વલણની વિરુદ્ધ છે. તેમણે મેચને રદ કરવાની માંગ કરી હતી.

આ રીતે ક્રિકેટના મેદાન પરનો રોમાંચ રાજકીય મંચ પર ચર્ચા અને તોફાન બની ગયો છે. એક બાજુ ક્રિકેટ પ્રેમીઓ આતુરતાથી મુકાબલો જોવા રાહ જોઈ રહ્યા છે, જ્યારે બીજી બાજુ રાજકીય માહોલમાં પ્રશ્ન ઊભા થઈ રહ્યા છે કે શું આર્થિક લાભ માટે શહીદોના બલિદાનને અવગણવું યોગ્ય છે?

Most Popular

To Top