Vadodara

વડોદરા મહાપાલિકાના 19 વોર્ડમાં સફાઈ દેખરેખ માટે માત્ર 9 જ સિનિયર સેનેટરી ઇન્સ્પેક્ટર !

પાલિકામાં 20 સિનિયર સેનેટરી ઇન્સ્પેક્ટરની જગ્યાઓ સામે માત્ર 10 જ કર્મચારીઓ ફરજ પર

પાલિકામાં સિનિયર સેનેટરી ઇન્સ્પેક્ટરના પ્રમોશન પણ લાંબા સમયથી લટકેલા

વડોદરા મહાનગર પાલિકામાં સિનિયર સેનેટરી ઇન્સ્પેક્ટરની ખાલી જગ્યાઓ હાલ ચિંતાજનક બની છે. પાલિકામાં કુલ 20 સિનિયર સેનેટરી ઇન્સ્પેક્ટરની જગ્યાઓ હોવા છતાં, હાલમાં માત્ર 10 જ કર્મચારીઓ ફરજ પર છે. આમાંથી એક આરોગ્ય વિભાગ માટે અનામત છે. એટલે 19 વોર્ડમાં ફરજ બજાવવા માટે માત્ર 9 જ સિનિયર સેનેટરી ઇન્સ્પેક્ટર ઉપલબ્ધ છે. એટલે બાકીના 11 વોર્ડમાં હાલ રામભરોસે કામ ચાલી રહ્યું છે તેવું કહીએ તો ચાલશે. શહેરના દરેક વોર્ડમાં સફાઈ અને સેનેટેશન વ્યવસ્થાની દેખરેખ માટે સિનિયર સેનેટરી ઇન્સ્પેક્ટરની હાજરી જરૂરી છે. તેમની મુખ્ય જવાબદારીમાં માર્ગો, શૌચાલય અને જાહેર સ્થળોની સફાઈથી લઈને સેનેટેશન સુધીની કામગીરીનું મોનીટરીંગ સામેલ છે. હાલ, ખાલી જગ્યાઓ અને કર્મચારીઓની સંખ્યા ઓછી હોવાથી આ કામગીરી યોગ્ય રીતે થઈ શકતી નથી. પાલિકામાં સિનિયર સેનેટરી ઇન્સ્પેક્ટરના પ્રમોશન પણ લાંબા સમયથી અટકેલા છે. જેના કારણે કર્મચારીઓની ઉત્સાહ અને કામગીરી પર અસર પડી રહી છે. ઘણીવાર ઇન્સ્પેક્ટર જરૂરી સ્થળે હાજર ન હોઈ શકે તો, વોર્ડની સફાઈ અને ગંદકી નિયંત્રણની જવાબદારી પર અસર પડે છે.

આ ખાલી જગ્યાઓના કારણે ન માત્ર રસ્તાઓ અને જાહેર સ્થળો પર કચરો દેખાય છે, પરંતુ વરસાદ કે ફટાકડી સમયે નાળાઓ અને ડ્રેનેજ પર નિયંત્રણ રાખવું પણ મુશ્કેલ બની ગયું છે. સ્થાનિક લોકો અને ગ્રાઉન્ડ સ્ટાફ દ્વારા મળતી ફરિયાદ મુજબ, ઘણા વોર્ડોમાં સફાઈના કામો અધૂરા રહે છે. શહેરમાં સાફસફાઈ માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા સિનિયર સેનેટરી ઇન્સ્પેક્ટરની આ ખાલી જગ્યાઓને વહેલી તકે ભરવાનો દબાવ પાલિકાને સામનો કરવો પડશે. ખૂબ જ જરૂરી છે કે પાલિકા તાત્કાલિક આ ખાલી જગ્યાઓ ભરે, જેથી શહેરમાં નિયમિત અને યોગ્ય રીતે સફાઈ કામગીરી થઈ શકે અને સફાઈનું યોગ્ય રીતે મોનીટરીંગ થઈ શકે.

MPW માં પણ 10 જેટલા ઉમેદવારોના રાજીનામા

તાજેતરમાં થયેલ MPW ની ભરતીમાં પણ 10 જેટલા ઉમેદવારોએ રાજીનામા આપી અન્ય જગ્યાએ જવાનું પસંદ કર્યું હોવાનું જાણવા મળ્યું છે. વધુમાં, MPW નું પણ વેઇટિંગ લિસ્ટ હજુ સુધી જાહેર કરાયું નથી. આમ શહેરની સાફ સફાઈ જેવા મહત્વના કામો માટે જરૂરી સ્ટાફના અભાવથી કામનું ભારણ અન્ય સ્ટાફ પર વધુ રહ્યું છે. જેથી કામની ગુણવત્તામાં પણ ક્યાંક ખામી રહે છે.

Most Popular

To Top