કોર્ટમાંથી નાસી છૂટેલા દીપેનની હત્યાના આરોપીની મદદ કરનારના રિમાન્ડની અરજી કોર્ટે નામંજૂર કરી*
*આરોપી અરજદારના જામીન અરજીની સુનાવણીમાં વધારાની કલમનો ઉમેરો કરવા માટે સમય આપતાં કોર્ટમાં સોમવારે સુનાવણી હાથ ધરાશે*
(પ્રતિનિધિ) વડોદરા તા.13
દરજીપુરા ગામના દીપેન પટેલ હત્યા કેસમાં મુખ્ય આરોપી હાર્દિક પ્રજાપતિને ગત તા.10 સપ્ટેમ્બરના રોજ બપોરે પોલીસ જાપ્તા હેઠળ મધ્યસ્થ જેલમાંથી દીવાળીપુરા ન્યાય મંદિર ખાતે લાવવામાં આવ્યો હતો. તે દરમિયાન પાણી પીવાના બહાને આરોપી કોર્ટના પાછળના ગેટ થી ફરાર થઇ છાણી પહોંચ્યો હતો. જ્યાં તેને આર્થિક મદદ કરનારને પોલીસે શુક્રવારે શહેરમાંથી ઝડપી પાડ્યો હતો અને શનિવારે તેને કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. પરંતુ આરોપી સામેની કલમ જામીનપાત્ર હોય કોર્ટે આરોપીના રિમાન્ડ નામંજૂર કર્યા હતા. સાથે જ તેના જામીન અરજીની સુનવણી સોમવાર સુધી ટાળી હોય આરોપીને સેન્ટ્રલ જેલમાં મોકલી અપાયો હતો.
ગત મે મહિનામાં શહેરના દરજીપુરા ગામમાં રહેતા અને આર.ટી.ઓ.ની નંબર પ્લેટ લગાવવાની કામગીરી કરતા એજન્ટ યુવક દીપેન મુકેશભાઇ પટેલની ગુમ થયાનાં પાંચમા દિવસે હત્યા કરાયેલો મૃતદેહ કાલોલ નજીક નર્મદા કેનાલમાંથી મળી આવ્યો હતો. આ સમગ્ર મામલે પ્રેમ પ્રકરણમાં હત્યા કરાઇ હોવાના ગુનામાં પોલીસે દીપેન પટેલના મકાન નજીક ભાડેથી રહતા હાર્દિક કૈલાશભાઇ પ્રજાપતિ અને ત્યારબાદ તેના ભાઇ હિતેશ પ્રજાપતિની પણ ધરપકડ કરી હતી. ગત તા.10 સપ્ટેમ્બરના રોજ કોર્ટમાં પ્રથમ સુનવણી પ્રક્રિયા હોય પોલીસ જાપ્તા સાથે દીપેન પટેલ હત્યા કેસમાં મુખ્ય આરોપી સહિત અન્ય આરોપીઓને દિવાળીપુરા ન્યાય મંદિર ખાતે લાવવામાં આવ્યા હતા જ્યાં પાણી પીવાના બહાને હત્યાનો આરોપી હાર્દિક પ્રજાપતિ કોર્ટના પાછળના ગેટથી ભાગી ફરાર થયો હતો અને છાણી જકાતનાકા પહોંચી એક ફ્રૂટ્સની લારીવાળાના ફોનથી મિત્રને ફોન કરીને રૂ.2,000 મંગાવી ડંપર તથા ખાનગી લકઝરી બસ મારફતે સુરત ભાગી ગયો હતો. આ મામલે અકોટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. જેમાં બે પોલીસ કર્મીઓ ને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ સમગ્ર મામલે રૂ.2,000ની મદદ કરનાર રવિકુમાર વાસુદેવ ગોવિંદભાઈ માળી ઉ.વ.25 રહે. માળી છોટાભાઈ શોપિંગ સેન્ટર, ભાદરવા ચોકડી,તા. સાવલીની પોલીસે શુક્રવારે વડોદરા ખાતેથી ધરપકડ કરી હતી. શનિવારે રવિકુમાર માળીને કોર્ટમાં રજૂ કરી પોલીસે ત્રણ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી પરંતુ બેલેબલ કલમ હોય કોર્ટે રિમાન્ડ નામંજૂર કર્યા હતા. જેથી પોલીસે વધારાની કલમનો ઉમેરો કરવા જણાવ્યું હતું, પરંતુ એવી કોઇ અરજી પોલીસ પાસે ન હતી. બીજી તરફ આરોપી અરજદાર તરફે એડવોકેટ ધર્મેશ એમ.દુબે તથા એડવોકેટ દેવરાજ મકવાણા દ્વારા આરોપીના જામીન અરજી રજૂ કરતાં કોર્ટ દ્વારા સોમવારે સુનાવણી માટે મુલતવી રાખી છે.