મધ્યપ્રદેશના મંદસૌર જિલ્લામાં આજે શનિવારે સવારે એક મોટી દુર્ઘટના ટળી. મુખ્યમંત્રી મોહન યાદવ હોટ એર બલૂનમાં સવાર થયા હતા પરંતુ પવનની ગતિ વધુ હોવાને કારણે બલૂન ઉડી શક્યો નહીં અને અચાનક તેમાં આગ લાગી ગઈ. સદનસીબે, સુરક્ષા કર્મચારીઓની સતર્કતાથી મુખ્યમંત્રીને તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યા અને આગ પર કાબુ મેળવી લેવાયો. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
માહિતી મુજબ, મુખ્યમંત્રી મોહન યાદવ મંદસૌર જિલ્લાના ગાંધીસાગર ફોરેસ્ટ રિટ્રીટ નજીક હિંગળાજ રિસોર્ટમાં રાત્રિ રોકાણ કર્યા બાદ શનિવારે સવારે હોટ એર બલૂન રાઈડ માટે પહોંચ્યા હતા. તેઓ સાંસદ સુધીર ગુપ્તા સાથે સવાર થવા જઈ રહ્યા હતા. પરંતુ તે સમયે પવનની ગતિ 15થી 20 કિલોમીટર પ્રતિ કલાક હતી. જેના કારણે બલૂન નિયંત્રણમાં રહી શક્યું નહીં. હવામાં ભરવામાં આવી રહેલો બલૂન નીચે ઝૂકી ગયો અને તેના તળિયે આગ લાગી ગઈ.
જ્યારે આગ લાગી ત્યારે મુખ્યમંત્રી બલૂનની ટ્રોલીમાં હતા. તાત્કાલિક સુરક્ષા ગાર્ડ્સે ટ્રોલી પકડીને મુખ્યમંત્રીને બહાર કાઢ્યા. બીજી તરફ, નિષ્ણાતો અને સ્થળ પર હાજર કર્મચારીઓએ તુરંત આગ પર કાબુ મેળવી લીધો. જો થોડો પણ વિલંબ થયો હોત તો મોટી દુર્ઘટના થઈ શકી હોત.
નિષ્ણાતોના જણાવ્યા મુજબ, હોટ એર બલૂન ઉડાડવા માટે સૌથી અનુકૂળ સમય સવારે 6 થી 7.30 વાગ્યા સુધીનો હોય છે. કારણ કે તે સમયે પવનની ગતિ ખૂબ ઓછી રહે છે. પરંતુ આ વખતે પવનની ઝડપ વધારે હોવાને કારણે બલૂન ઉડી શક્યું નહીં અને આગની ઘટના બની.
શુક્રવારે સાંજે મુખ્યમંત્રી મોહન યાદવે ગાંધીસાગર ફેસ્ટિવલના ચોથા સંસ્કરણનું ઉદ્ઘાટન કર્યું હતું અને ચંબલ ડેમના બેકવોટરમાં ક્રુઝ રાઈડ તથા બોટિંગનો આનંદ માણ્યો હતો. કાર્યક્રમ દરમિયાન તેમણે કહ્યું કે “ગાંધીસાગર એક સમુદ્ર જેવું છે. અહીં કુદરતી રીતે વન્યજીવન અને પ્રવાસન માટે ઘણું બધું છે. વિદેશ જવાની જરૂર નથી આવા વારસા અને સ્થળો આપણાં દેશમાં જ છે.”
સદનસીબે, સુરક્ષા વ્યવસ્થાના કારણે આ ઘટના મોટી દુર્ઘટનામાં ફેરવાઈ નહીં અને મુખ્યમંત્રી સંપૂર્ણ સુરક્ષિત રહ્યા છે.