Editorial

રહેઠાણનો અધિકાર એ મૂળભૂત અધિકાર છે, સુપ્રીમ કોર્ટના ચુકાદાથી રિઅલ એસ્ટેટને પણ ફાયદો થશે

જે રીતે બોલવાનો અને જીવવાનો દરેક વ્યક્તિનો મૂળભૂત અધિકાર છે તેવી જ રીતે રહેઠાણનો અધિકાર પણ એ મૂળભૂત અધિકાર છે તેવો સુપ્રીમ કોર્ટે એક ઐતિહાસિક ચૂકાદો આપ્યો છે. બંધારણની કલમ 21 હેઠળ આ મૂળભૂત અધિકારી ભારતના દરેક નાગરિકને આપવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે ત્યાં સુધી કહ્યું છે કે કેન્દ્ર સરકાર દ્વારા એક રિવાઈવલ ફંડ બનાવવામાં આવે કે જેના દ્વારા નાણાં અભાવે અટકી ગયેલા પ્રોજેક્ટને આગળ ધપાવી શકાય. આ પ્રોજેક્ટ તૈયાર કરીને સાચા ઘર ખરીદનારાઓના હિતનું રક્ષણ કરી શકાય. સુપ્રીમકોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું છે કે, સરકાર બંધારણીય રીતે ઘર ખરીદનારાઓ અને દેશના વિશાળ અર્થતંત્રનું રક્ષણ કરવા માટે બંધાયેલી છે. કોર્ટે આ ચુકાદાની નકલ તમામ રાજ્યોના મુખ્ય સચિવોને પણ મોકલવા માટે જણાવ્યું છે કે જેથી વહેલી તકે આ માટે જરૂરી પગલાઓ લઈ શકાય. સુપ્રીમ કોર્ટના આ ચુકાદાથી રિઅલ એસ્ટેટ ઉદ્યોગને પણ ફાયદો થાય તેવી સંભાવના જોવામાં આવી રહી છે.

એક સમય હતો કે જ્યારે દેશમાં રિઅલ એસ્ટેટ ક્ષેત્રમાં ભારે તેજી હતી. સંખ્યાબંધ પ્રોજેક્ટો ધમધમતાં હતા અને લોકોને રહેવા માટે નવા-નવા ઘરો મળતાં હતાં. રિઅલ એસ્ટેટ કંપનીઓના શેરના ભાવો પણ આસમાને ચાલતા હતા. પરંતુ અનેક શહેરોમાં હાલમાં રિઅલ એસ્ટેટ ક્ષેત્ર તકલીફમાં છે. પ્રોજેક્ટ બિલ્ડરો દ્વારા શરૂ કરી દેવામાં આવ્યા પરંતુ તેમાં બાદમાં બુકિંગ નહીં આવવાને કારણે અનેક પ્રોજેક્ટ ખોરંભે પડી ગયા છે. પ્રોજેક્ટ અટકી જતાં તેમાં રોકાણ કરનારાઓ હાલમાં મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. જેમણે ઘર લેવા માટે બુકિંગ કરાવ્યું તેવાને ઘર મળી રહ્યા નથી. રોકાણકારો પણ રડી રહ્યા છે.

સુપ્રીમ કોર્ટમાં એક રોકાણકાર દ્વારા એવી દાદ માંગવામાં આવી હતી કે તેના દ્વારા 35 લાખનું રોકાણ કરવામાં આવ્યું હતું અને 12 મહિનામાં તે 1 કરોડ મેળવવાની અપેક્ષા રાખતો હતો. સુપ્રીમ કોર્ટે આવા રોકાણકારની અરજી ફગાવી દીધી પરંતુ સાથે સાથે એક વાત સ્પષ્ટ કરી કે આ રીતે પ્રોજેક્ટ અટકતા હોય તો સરકારે તેનું ધ્યાન રાખવું જોઈએ. સુપ્રીમ કોર્ટે ચુકાદા સાથે એવું જણાવ્યું હતું કે, રોકાણકારના રોકાણનું રક્ષણ કરવાનો કોર્ટનો કોઈ જ ઈરાદો નથી પરંતુ જે નાગરિક ખરેખર પોતાનું ઘર ખરીદવા માંગે છે તે વ્યક્તિને ન્યાય મળવો જ જોઈએ. હાલમાં અનેક પ્રોજેક્ટની એવી હાલત છે કે સામાન્ય નાગરિકોના ઘર ખરીદવાના સપનાઓ પર પાણી ફરી વળ્યા છે. આ પ્રોજેક્ટ નાણાંના અભાવે કે પછી અન્ય કારણોસર પુરા થયા નથી. જેને કારણે જે લોકો ઘર લેવા માંગે છે તેઓ ઘર લઈ શકતા નથી.

તેમનું પોતાના ઘરનું સપનું રોળાઈ ગયું છે. સુપ્રીમ કોર્ટે આવા સામાન્ય નાગરિકના હકને બચાવવા માટે જ આ ચુકાદો આપ્યો છે. હાલમાં સરકાર દ્વારા આવાસો બનાવવામાં આવે છે પરંતુ પ્રત્યેક વ્યક્તિને ઘર સરકાર આપી શકતી નથી. આવાસોમાં પણ મોટાભાગે ગરીબ પરિવારો જ રહેવા માટે જાય છે. આ સંજોગોમાં રિઅલ એસ્ટેટ ક્ષેત્ર ધમધમતું થાય તો જ દેશમાં તમામ લોકોને પોતાનું ઘર આપી શકાય તેમ છે. સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો દેશના સામાન્ય નાગરિકને ધ્યાનમાં રાખીને જ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે તો સરકારને ટકોર કરી દીધી છે પરંતુ હવે જવાબદારી સરકારોની બને છે કે તેમના દ્વારા આ રીતે ફંડ તૈયાર કરવામાં આવે અને સાથે સાથે આ ફંડ દ્વારા અટકેલા પ્રોજેક્ટો પુરા થાય તેવા પ્રયાસો કરવામાં આવે. જો સરકાર દ્વારા આ પ્રયાસો કરવામાં આવશે તો સામાન્ય નાગરિકને રહેવા માટે પોતાના ઘરો મળી રહેશે તે નક્કી છે.

Most Popular

To Top