વેલ્ડીંગના કામકાજ દરમિયાન જ ધડાકો થતાં ભાગદોડ મચી
(પ્રતિનિધિ) આણંદ તા.12
આણંદ અમૂલ ડેરીની ચૂંટણીની મતગણતરી પૂર્ણ થયાના કલાકો જ પ્લાન્ટમાં રહેલો બાયોગેસ બલૂનમાં જબરજસ્ત ધડાકો થયો હતો. જેના કારણે નજીકમાં રહેલા આઠ જેટલા કર્મચારી દાઝી જતાં તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. આ ઘટનાના પગલે ઉચ્ચ અધિકારીઓ પણ હોસ્પિટલ પર પહોંચી ગયાં હતાં.
આણંદ શહેરની અમૂલ ડેરીના બાયો પ્લાન્ટમાં આગજનીની સાથે બ્લાસ્ટની દુર્ઘટના સર્જાઇ હતી. જેમાં 8 જેટલાં કર્મચારીઓ ઇજાગ્રસ્ત થતા શ્રી કૃષ્ણ હોસ્પિટલ કરમસદ સારવાર અર્થે ખસેડાયા હતા. આણંદ અમૂલ ડેરીમાં ચાલતા ફેબ્રીકેશનના કામ દરમિયાન આગની દુર્ઘટના સર્જાઇ હતી. ફેબ્રીકેશનના કામ દરમિયાન વીજળીના તણખા થતાં બાયોગેસ બલુનમાં આગ ભડકી ઉઠી હતી. જેમાં આઠ જેટલાં કર્મચારીઓ વધતા ઓછા પ્રમાણમાં દાઝી ગયા હતા. જેથી તેઓને શ્રી કૃષ્ણ કરમસદ મેડીકલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા. આ ઘટનામાં અશોકભાઇ પરમાર (ઉ.વ.41), કમલેશભાઈ પરમાર (ઉ.વ.39), હર્ષ હરિશભાઈ (ઉ.વ.30), શૈલેષ પરમાર (ઉ.વ.29), જયેશભાઈ વાઘેલા (ઉ.વ.26), યોગેશ માલજીભાઈ વાઘેલા (ઉ.વ.32) અને રાહુલ કમલેશભાઇ શર્મા દાઝી ગયાં હતાં.