National

PM મોદી આવતીકાલે મણિપુરની મુલાકાત લેશે, વિસ્થાપિતોને મળશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતી કાલે એટેલેકે તા.13 સપ્ટેમ્બર 2025 મણિપુરની મુલાકાતે જશે. રાજ્યમાં છેલ્લા ઘણા મહિનાથી ચાલી રહેલી અશાંતિ વચ્ચે તેમની આ મુલાકાતને અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. પીએમ મોદી પોતાના પ્રવાસની શરૂઆત ચુરાચંદપુરથી કરશે. જ્યાં તેઓ વિસ્થાપિત લોકોને મળશે અને મુખ્ય રાહત તથા વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે.

મણિપુરના મુખ્ય સચિવ ડો. પુનિત કુમાર ગોયલે પીએમ મોદીની મુલાકાતનો સમયપત્રક જાહેર કરતાં જણાવ્યું કે વડાપ્રધાન મોદી બપોરે 12:15 વાગ્યે મિઝોરમની રાજધાની આઈઝોલથી ચુરાચંદપુર પહોંચશે. અહીં તેઓ વિસ્થાપિત પરિવારો સાથે વાતચીત કરશે અને રાજ્ય માટે અનેક માળખાગત પ્રોજેક્ટ્સની શરૂઆત કરશે.

આ કાર્યક્રમો પછી પીએમ મોદી શાંતિ ગ્રાઉન્ડ ખાતે જાહેર સભાને પણ સંબોધિત કરશે. મે 2023માં મેઈતેઈ અને કુકી જાતિઓ વચ્ચે હિંસા ફાટી નીકળ્યા પછી પીએમ મોદીની મણિપુરની આ પહેલી મુલાકાત હશે.

ચુરાચંદપુર બાદ તેઓ ઇમ્ફાલના કાંગલા જશે. કાંગલા મણિપુરી વારસા અને મેઇતેઈ સમુદાય માટે ઐતિહાસિક અને સાંસ્કૃતિક કેન્દ્ર છે. પીએમ મોદી અહીં પણ વિસ્થાપિત પરિવારો સાથે મુલાકાત કરશે અને વિકાસના અનેક પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે. આ ઉપરાંત તેઓ બીજી જાહેર સભામાં પણ હાજરી આપશે.

મણિપુરને પીએમ મોદીની આ મુલાકાત દરમિયાન મોટી વિકાસ ભેટ મળશે. અંદાજે 1,300 કરોડ રૂપિયાના નવા પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરવામાં આવશે. જ્યારે 1,200 કરોડ રૂપિયાના પૂર્ણ થયેલા કાર્યોનું ઉદ્ઘાટન થશે. આમાં માળખાગત સુવિધાઓ, રસ્તા, આરોગ્ય અને શિક્ષણ સંબંધિત યોજનાઓનો સમાવેશ થવાનો છે.

ડો. પુનિત કુમાર ગોયલે જણાવ્યું કે મણિપુર માત્ર સરહદી રાજ્ય નથી. પરંતુ ભારતની એક્ટ ઈસ્ટ નીતિનું કેન્દ્રિય આધારસ્તંભ છે. દક્ષિણ-પૂર્વ એશિયા માટેનું પ્રવેશદ્વાર અને ભારતની વિવિધતાનું પ્રતિક મણિપુર છે. તેમનું માનવું છે કે વડાપ્રધાનની આ મુલાકાત રાજ્યમાં શાંતિ સ્થાપિત કરવા, સામાન્ય પરિસ્થિતિ પુનઃસ્થાપિત કરવા અને વિકાસને ગતિ આપવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે.

Most Popular

To Top