Charotar

અમૂલ ચૂંટણી પરિણામ જાહેર, 11 બેઠક પર ભાજપનો દબદબો, 2 બેઠક કોંગ્રેસના ફાળે આવી

પ્રતિનિધિ આણંદ તા 12
વિશ્વ વિખ્યાત અમુલ એટલે ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ ના નિયામક મંડળની ચૂંટણીના મહાસંગ્રામનું આજે શુક્રવારે પરિણામ જાહેર થઈ ગયું છે. વિશ્વસ્તરીય સહકારી સંસ્થામાં ભાજપે સ્પષ્ટ બહુમતી સાથે સત્તાનુ નેતૃત્વ મેળવી લીધુ છે. ભાજપે સત્તાનું સિંહાસન હસ્તગત કરી લીધું છે. જોકે આ રસાકસી ભરી ચુંટણીમાં બોરસદ અને કપડવંજ બ્લોક પર ભાજપના ઉમેદવારોનો કારમો પરાજય થયો છે.

સવારે નવ કલાકે મતદાન ગણતરીની પ્રક્રિયા પરિણામ ગુપ્તતાના શપથ સાથે શરૂ થઈ હતી . જેમાં સૌથી પહેલી મતગણતરી વ્યકિતગત સભાસદ બેઠકની હાથ ધરવામાં આવી હતી. ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક મંડળી લી ના નિયામક મંડળની 12 તેમજ વ્યક્તિગત બેઠકની એક બેઠક માટે ચૂંટણી જાહેર થઈ હતી‌. ચૂંટણી જાહેર થતા જ 15 હજાર કરોડનું ટર્ન ઓવર ધરાવતી આ સંસ્થામાં સત્તા મેળવવા ભાજપ અને કોંગ્રેસે કમર કસી હતી . ભાજપ દ્વારા તમામ 12 બ્લોક બેઠક માટે પોતાના ઉમેદવાર જાહેર કર્યા હતા. જ્યારે સામે કોંગ્રેસ દ્વારા વિશ્વાસ પેનલ બનાવી પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા.

જોકે ચૂંટણી પહેલા જ 4 બેઠક બિનહરીફ થતા ભાજપના 4 ઉમેદવારોનો વિજય થયો હતો . જેમાં ઠાસરા,વીરપુર ,મહેમદાવાદ અને બાલાસિનોર બેઠકનો સમાવેશ થયા છે . બાકીની 8 બ્લોક અને 1 વ્યક્તિગત બેઠક માટે મતદાન પ્રક્રિયા બાદ આજે મતગણતરી હાથ ધરાતાં આણંદ , ખંભાત, પેટલાદ, માતર, નડિયાદ, કઠલાલ અને વ્યક્તિગત બેઠક ઉપર ભાજપના ઉમેદવારોનો વિજય થયો હતો .

જ્યારે બોરસદ અને કપડવંજ બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવારનો વિજય થયો હતો. શુક્રવારે યોજાયેલી ચૂંટણીમાં અમુલના ઇતિહાસમાં પ્રથમ વખત ભાજપે 13 પૈકી 11 બેઠકો પર વિજય હાંસલ કરી સ્પષ્ટ બહુમતી મેળવી અને 15000 હજાર કરોડનું ટર્ન ઓવર ધરાવતી આ સંસ્થા ઉપર સત્તા હાંસલ કરી છે .

Most Popular

To Top