તત્કાલીન TDO ની કેબિનમાંથી 35 ફાઇલો ચોરી કરવા મામલે નીચલી કોર્ટનો ચુકાદો
અંબાલાલ પટેલ પર અલ્પેશ મજમુદારને ધક્કો મારી દરવાજો તોડી કેબિનમાં પ્રવેશ કર્યો હોવાનો આરોપ પણ લાગ્યો હતો
વર્ષ 2006માં વડોદરા મહાનગરપાલિકાના ટાઉન ડેવલપમેન્ટ વિભાગમાં આશરે 35 અગત્યની ફાઇલોની ચોરી કરવાનો ગુનો નોંધાયો હતો. આ ઘટનામાં ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર (T.D.O.) અલ્પેશ મજમુદારની કેબિનમાં અજાણ્યા શખ્સ દ્વારા ગેરકાયદેસર પ્રવેશ કરી દરવાજો તોડી અંદરથી મહત્વપૂર્ણ દસ્તાવેજો ઉઠાવી લઇ ગયા હોવાની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાઈ હતી. આ બનાવ અંગે ફરિયાદ નોંધાવતી વખતે જણાવાયું હતું કે, ગીતેશ ઉર્ફે અંબુ ઉર્ફે અંબાલાલ જયંતીભાઈ પટેલે ટાઉન ડેવલપમેન્ટ વિભાગની કેબિનની ચાવી માંગવા છતાં T.D.O.એ ન આપતાં, ગીતેશ ઉર્ફે અંબુ ઉર્ફે અંબાલાલ જયંતીભાઈ પટેલે અલ્પેશ મજમુદારને ધક્કો મારી દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ ટાઉન ડેવલપમેન્ટ શાખાની અંદર રાખેલી અગત્યની 35 ફાઇલ ઉઠાવી લઇ જવામાં આવી હતી.
આ બનાવના પગલે ભારતીય દંડ સંહિતાની કલમ 394, 452, 427, અને 332 હેઠળ ફરિયાદ નોંધાઈ હતી. લાંબા સમય સુધી પોલીસ તપાસ, દસ્તાવેજી પુરાવા એકઠા કરવા અને સાક્ષીઓના નિવેદનો લેવામાં આવતા એક લંબિત સમય સુધી કેસ ચાલતો રહ્યો. આ કેસમાં આરોપી પક્ષે વકીલ ધર્મેશ એમ. દુબે દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. વકીલ દ્વારા દસ્તાવેજી પુરાવા અને સાક્ષીઓના નિવેદન રજૂ કરીને આરોપી ગીતેશ ઉર્ફે અંબુ ઉર્ફે અંબાલાલ પટેલની નિર્દોષતા માટે દલીલ કરવામાં આવી હતી. કોર્ટે તમામ પૂરાવાઓની વિગતવાર તપાસ કર્યા બાદ જણાવ્યુ કે પુરાવાની ગાઢતાના અભાવે આરોપી પર આરોપ સાબિત થવા યોગ્ય નથી. અંતે, 10 સપ્ટેમ્બર 2025ના રોજ 25મા એડિશનલ ચીફ જ્યૂડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટ દ્વારા શંકાનો લાભ આપીને આરોપીને મુક્ત કરવાનો હુકમ આપવામાં આવ્યો. સાથે જ અગાઉ આપવામાં આવેલ જામીનખત રદ કરીને નવા શરતી રૂ.10,000ના જામીન અને 6 મહિના માટે પર્સનલ બોન્ડનો હુકમ પણ કરાયો. આમ, વર્ષ 2006માં થયેલો ચોરીનો ગુનો 18 વર્ષ, 10 મહિના અને 24 દિવસ પછી નિર્દોષ સાબિત થયો, આખરી તબક્કે બંધ થયો છે.