આવનાર સમયમાં ઝોન દીઠ મશીન મુકાશે, રોડ કન્સલ્ટન્ટને પણ કાર્ય સોંપાશે,રોડ વર્ક્સ માટે 45 ટકા વધારાનું બજેટ
વડોદરા: વડોદરા શહેરના રોડ રસ્તાઓ પર ખાડાના કારણે લોકો ભારે પરેશાન થયા છે. પરિસ્થિતિ એટલી ગંભીર છે કે, શહેરને લોકો ‘ખાડોદરા’ કહેવા લાગ્યા છે. આવી પરિસ્થિતિમાં વડોદરા મહાનગર પાલિકાએ પહેલીવાર ખાડા પૂરવા માટે અત્યાધુનિક જેટ પેચર મશીન વાપરવાનું શરૂ કર્યું છે. આજે દક્ષિણ ઝોનમાં આ મશીન પ્રયોગાત્મક રૂપે કામે લગાડવામાં આવ્યું છે, જે થકી યુદ્ધના ધોરણે ખાડા પૂરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

વરસાદી મોસમ દરમિયાન શહેરની મોટાભાગના રોડ રસ્તા ખૂબડ ખાબડ થઈ ગઈ છે. અગાઉના પરંપરાગત પદ્ધતિથી ખાડા પુરવામાં વધુ સમય લાગી જતો હતો, જેના કારણે વાહન વ્યવહાર પણ પ્રભાવિત થતો. પરંતુ જેટ પેચર મશીન થકી પેચ વર્ક ઝડપથી કરી શકાય છે અને તરતજ વાહનો રોડનો ઉપયોગ કરી શકે છે. હાલમાં એક મશીન કાર્યરત કરાયું છે અને આગામી સમયમાં દરેક ઝોન માટે એક-એક મશીન મુકવાની યોજના છે.

કમિશનરના જણાવ્યા મુજબ રોડ વર્ક્સ માટે આ વખતે રસ્તા માટેના ખર્ચમાં 45 ટકા જેટલું વધારાનું બજેટ ફાળવવામાં આવ્યું છે. રોડ પ્રોજેક્ટ માટે સ્વર્ણિમ અને અમૃતમ યોજનામાંથી પણ ફંડ ઉપલબ્ધ થવાનું છે. 18 મીટરથી વિશેષ રોડ અંગેની ટેન્ડર પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે.

સાથે સાથે રોડના કામોમાં ગુણવત્તા જળવાઈ રહે તે માટે ત્રણથી ચાર રોડ કન્સલ્ટન્ટ્સની નિમણૂંક કરવામાં આવશે. ઝોન મુજબ તેમની જવાબદારી નક્કી કરવામાં આવશે, જેથી કામ ઝડપી તેમજ તકનીકી રીતે સુદ્રઢ રીતે પાર પડે.

સાઉથ ઝોનમાં મશીનનો પ્રારંભિક ઉપયોગ થયા બાદ હવે વેસ્ટ ઝોનમાં નટુભાઈ સર્કલ, ચકલી સર્કલ સહિતના વિસ્તારોમાં કામ કરાશે. આગામી ત્રણ દિવસ દરમિયાન વિવિધ વિસ્તારોની મુલાકાત લઈને કામની ગતિ પર નજર રાખવામાં આવશે. જેટ પેચર મશીન વડે થતું પેચ વર્ક કાયમી ઉકેલ નથી, તે માત્ર રિસ્ટોરેશન છે. આવતા દિવસોમાં રોડનું રીસર્ફેસિંગ હાથ ધરવામાં આવશે, જેમાં યોગ્ય માપદંડો પ્રમાણે નવા રસ્તા બાંધવામાં આવશે.
વડોદરાના નાગરિકોમાં ખાડા મુદ્દે લાંબા સમયથી નારાજગી જોવા મળે છે. પાલિકા દ્વારા પહેલીવાર આધુનિક મશીનનો ઉપયોગ થવાથી હાલ માટે એક તાત્કાલિક રાહત તો મળશે, પરંતુ કાયમી ઉકેલ ક્યારે મળશે તે જોવાનું રહ્યું.