સરોવરમાંથી પાણીનું સ્તર 213 ફૂટ સુધી લાવવા પાલિકાની કામગીરી ચાલુ
વિશ્વામિત્રી નદીમાં પાણીનું સ્તર 12.27 ફૂટ, પાલિકા દ્વારા દરવાજા ખુલ્લા રાખવા અંગે આગામી નિર્ણયો
આજવા સરોવરમાંથી આજે સાંજે છ વાગ્યે વડોદરા મહાનગરપાલિકા દ્વારા કુલ 62 દરવાજા ખોલવામાં આવ્યા છે. દરવાજા ખોલવા સમયે સરોવરમાં પાણીનું સ્તર 213.53 ફૂટ નોંધાયું હતું. પાલિકા દ્વારા સરોવરમાંનું પાણીનું સ્તર 213 ફૂટ સુધી લાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે 8500 ક્યુસેક પાણી વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. વરસાદના કારણે વધેલા આજવા સરોવરમાં વધેલા પાણીના સ્તરનું નિયંત્રણ કરવા પાલિકા દ્વારા આ આયોજન કરાયું છે. મહત્વનું છે કે, ઉપરવાસમાં ભારે વરસાદ બાદ આજવા અને પ્રતાપપુરા સરોવરમાં પાણીની આવક રહી હતી. સરોવરમાં પાણીનું સુરક્ષિત સ્તર જળવાઈ રહે તે માટે પાલિકા દ્વારા પાણી છોડવાનો નિર્ણય લેવાયો છે.
માહિતી અનુસાર, મોડી રાત્રે ફરી પરિસ્થિતિનું રિવ્યૂ કરીને દરવાજા ખુલ્લા રાખવા કે બંધ કરવા તે અંગે નિર્ણય લેવાશે. સાંજે 9 વાગ્યે કાલાઘોડા ખાતે વિશ્વામિત્રી નદીના પાણીનું સ્તર 12.27 ફૂટ નોંધાયું હતું. જ્યારે આજવા સરોવર પર પાણીનું સ્તર 213.39 નોંધાયું હતું. પાલિકાના તંત્ર દ્વારા મોડી રાત્રે ફરી આજવા સરોવર અને વિશ્વામિત્રીની પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી દરવાજા ખોલવા કે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવશે.