નવરાત્રી દરમિયાન મોટા ગરબા આયોજકોની પોલીસ પરવાનગી અરજીનો નિર્ણય પોલીસની તપાસ બાદ અપાશે
ગરબા સ્થળે મહિલાઓની સુરક્ષા, પાર્કિંગ તથા ટ્રાફિક ન અવરોધાય તમામ બાબતોની પોલીસ અધિકારીઓ દ્વારા સ્થળ સમીક્ષા બાદ પરવાનગી અપાશે
(પ્રતિનિધિ) વડોદરા તા.09
આગામી નવરાત્રી દરમિયાન શહેરના મોટા ગરબાઓ અંગે ગરબા આયોજકો દ્વારા કરવામાં આવેલી પોલીસ પરવાનગી અંગેની અરજી સંદર્ભે વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં પોલીસ અધિકારીઓ દ્વારા ગરબાસ્થળની સમીક્ષા મુલાકાત કરી તમામ બાબતોની ચકાસણી બાદ જ પરવાનગી અંગેનો નિર્ણય લેવામાં આવશે.
સંસ્કારી નગરી અને કલાનગરી તરીકે વડોદરા શહેર પોતાની આગવી ઓળખ ધરાવે છે. વડોદરાની નવરાત્રી અને ગરબા દેશ દુનિયામાં પ્રસિદ્ધ છે. વડોદરાની નવરાત્રી નું ઘેલું બોલિવૂડ અને ટેલીવુડને પણ છે તેથી જ વડોદરાની નવરાત્રી દરમિયાન અહીં હિન્દી, ગુજરાતી ફિલ્મોના શુટીંગ ઉપરાંત ટેલિવિઝન આવતી સિરિયલ માટે પણ શુટિંગ થાય છે. આસો નવરાત્રી ની રાહ એન.આર.આઇ. અને વડોદરા સહિત રાજ્યના તથા અન્ય રાજ્યના લોકોને પણ હોય છે ત્યારે આગામી તા.22મી સપ્ટેમ્બર ને સોમવાર થી આસો સુદ એકમથી શારદીય નવરાત્રિ નો પ્રારંભ થનાર છે જેના માટે શહેરના મોટા ગરબા આયોજકો જેમાં યુનાઈટેડ વે, લક્ષ્મીવિલાસ પેલેસના ગરબા,વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ, યુગ શક્તિ ગરબા,નવશક્તિ ગરબા સહિતના ગરબા આયોજકો દ્વારા પોલીસ પરવાનગી મેળવવા માટે પોલીસ ભવન ખાતે અરજીઓ કરવામાં આવી છે જેના સંદર્ભે આ વર્ષે શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં પોલીસ અધિકારીઓ દ્વારા જે તે મોટા ગરબા સ્થળોની મુલાકાત કરીને ત્યાં મહિલાઓ માટેની સુરક્ષા વ્યવસ્થા, પાર્કિંગ ની વ્યવસ્થા તથા ગરબા મેદાન નજીક ટ્રાફિકની સમસ્યાઓ ન સર્જાય તે અંગેની વ્યવસ્થા સહિત પ્રવેશ, ઇમરજન્સી સમયની વ્યવસ્થા ની ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવશે અને ત્યારબાદ જ ગરબા આયોજકો ને મંજૂરી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેના કારણે મોટા ગરબા આયોજકો દ્વારા ખાનગી સિક્યુરિટી,બાઉન્સરો, મહિલા સુરક્ષા કર્મીઓ, પાર્કિંગ માટે ની વ્યવસ્થા કરવામાં લાગી ગયા છે. શહેર પોલીસ ના અધિકારીઓ સંપૂર્ણ વિગત મેળવી તે રિપોર્ટ અધિકારીઓ પોલીસ કમિશનર ને આપશે જેના આધારે જ ગરબા આયોજકો ને મોટા ગરબા અંગે પરવાનગી આપવામાં આવશે જે શહેર પોલીસની શરતોને આધીન રહેશે.