સ્વચ્છતા માટે પાલિકાનો જેટિંગ મશીનથી પ્રયાસ
પાણી તો ઉતરી ગયું, પણ કાદવ-કીચડથી રસ્તા ઉપર ગંદકીનાં ઢગલા, સ્થાનિકો ઘરમાં પુરાઈ ગયા
બ્રિજ તેમજ આરોગ્ય અને સફાઈની તાકીદની માગણી, તંત્ર સામે રોષ
વડોદરા: વડોદરા શહેરના વડસર કોટેશ્વર વિસ્તારમાં ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા સર્જાતી જોવા મળી છે. આ વર્ષે પણ ભારે વરસાદ બાદ વિસ્તાર પાણીમાં ઘેરાઈ ગયો હતો. હાલ તો પાણી ઉતરી ગયું છે પરંતુ સ્થાનિકોની હાલત કફોડી બની છે કારણ કે ગલીઓ અને રસ્તાઓ પર કાદવ કીચડનું સામ્રાજ્ય છવાઈ ગયું છે.

ત્રણ દિવસ સુધી પાણીમાં સરી પડેલા લોકો હવે નોકરી-ધંધે જવા બહાર નીકળ્યા છે, પરંતુ રસ્તા પર કાદવ કીચડના ઢગલાની વચ્ચે ચાલવું તો દૂર, વાહન ચલાવવું પણ જોખમી સાબિત થઈ રહ્યું છે. અનેક ઘરોના આંગણે તથા રસ્તાના ખૂણાઓ પર કાદવના ભરાવાને કારણે લોકો ઘરમાં જ પુરાઈ રહેવા મજબૂર બન્યા છે.
સ્થાનિકોએ જણાવ્યું કે દર વર્ષે ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યા ગંભીર બને છે. ગત વર્ષે પુર ની સ્થિતિ સર્જાઈ હોવા છતાં કોઈ શાસકીય પગલા લેવાયા નહોતા. પરિણામે લાખ્ખો રૂપિયા ખર્ચીને લીધેલા ઘરોમાં પાણી ઘુસી જતાં ભારે નુકસાન સહન કરવું પડ્યું હતું.
જ્યારે પાણી ભરાય છે ત્યારે મચ્છરોનો ત્રાસ વધી જાય છે. આ ઉપરાંત ઘરમાં ગંદુ પાણી ઘુસતાં તાવ, ચામડીના રોગો અને અન્ય ચેપજન્ય બીમારીઓ ફેલાવાનો ભય સતાવી રહ્યો છે. બાળકો તથા વૃદ્ધો ખાસ કરીને આરોગ્યની સમસ્યાઓનો ભોગ બની રહ્યા છે.
સ્થાનિક રહેવાસીઓએ અનેક વાર તંત્ર સમક્ષ બ્રિજ બાંધવાની માંગ ઉઠાવી છે જેથી પાણી ભરાય તો પણ લોકો સરળતાથી અવરજવર કરી શકે. પરંતુ હજુ સુધી કોઈ કારગર આયોજન થયેલું નથી, એટલા માટે દર વર્ષે લોકોને એ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
બીજી તરફ હાલ પાણી ઉતર્યા પછી કાદવ-કીચડ દૂર કરવાની કામગીરી માટે પાલિકાએ જેટિંગ મશીન મુક્યા છે. રસ્તાં ધોવાની કામગીરી શરુ કરવામાં આવી છે, પરંતુ કાદવના કારણે આસપાસ પારાવાર ગંદકી ફેલાઈ ગઈ છે અને રહેવાસીઓને ત્રાહીમામ કરાવતી હાલત સર્જાઈ છે.
સ્થાનિકોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે પૂર આવવું કે પાણી ભરાવુંએ સ્થાનિકોની ભૂલ નથી, પરંતુ તંત્રની બેદરકારી છે. જો સમયસર નાળાઓ સાફ કરવામાં આવે, પાણી વહેતુ રાખવા યોગ્ય વ્યવસ્થા થાય અને બ્રિજ બાંધવામાં આવે તો વિસ્તારોને દર વર્ષે આવતી આ મુશ્કેલીઓમાંથી મુક્તિ મળી શકે.