Vadodara

MSUમાં પોલીસને ચકમો આપી NSUIએ કર્યું VCનું પૂતળાદહન

ખાલી પડેલી બેઠકો ભરવા માટે રજીસ્ટ્રેશન ફરી શરૂ કરવા માંગ

યુનિવર્સિટીનું પ્રશાસન તંત્ર કથડી ગયું અને જીકાસની એક કઠપૂતળી હોય તે રીતે યુનિવર્સિટીના સત્તાધીશો ચાલી રહ્યા હોવાના આક્ષેપ

( પ્રતિનિધી )વડોદરા,તા.9

વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં હાલ કેટલી ફેકલ્ટીઓમાં બેઠકો ખાલી પડી છે. ત્યારે આ મામલે જીકાસનું રજીસ્ટ્રેશન ફરીવાર વિદ્યાર્થીઓ માટે શરૂ કરવામાં આવે તેવી અગાઉ NSUI દ્વારા માંગણી કરવામાં આવી હતી. જોકે આજ દિન સુધી આ રજૂઆત ધ્યાને લેવામાં નહીં આવતા આજરોજ વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઈ દ્વારા યુનિવર્સીટીની હેડ ઓફિસ ખાતે પોલીસને ચકમો આપી વીસીના પૂતળાનું દહન કરી ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો.

વિશ્વવિખ્યાત વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં છેલ્લા ત્રણ સાડા ત્રણ મહિના ઉપરાંતથી પ્રવેશની પ્રક્રિયા ચાલી હતી. પરંતુ આજ દિન સુધી યુનિવર્સિટીમાં એવા ઘણા ડિપાર્ટમેન્ટની બેઠકો ખાલી પડી છે. કેટલાક વિદ્યાર્થીઓ એવા પણ છે જેને આજે પણ યુનિવર્સિટીમાં અભ્યાસ કરવો છે. પરંતુ,જીકાસના કંકાસના કારણે યુનિવર્સિટીમાં એડમિશન લઈ શક્યા નથી. ત્યારે આ મામલે અગાઉ યુનિવર્સિટીના વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઈ દ્વારા યુનિવર્સિટી ની હેડ ઓફિસ ખાતે જીકાસનું રજીસ્ટ્રેશન ફરી શરૂ કરવામાં આવે તેવી માંગણી સાથે રજૂઆત કરવામાં આવી હતી. જોકે, આજદિન સુધી આ રજૂઆતને ધ્યાને લેવામાં નહિ આવતા NSUI દ્વારા યુનિવર્સીટીની હેડ ઓફિસ ખાતે વીસીના પૂતળા દહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તેથી અગાઉથી જ હેડ ઓફિસ ખાતે પોલીસનો બંદોબસ્ત ખડકી દેવાયો હતો. ત્યારે, વિદ્યાર્થીઓએ ચકમો આપી હેડ ઓફિસ બહાર વીસીના પૂતળાનું દહન કરી વિરોધ નોંધાવ્યો હતો. આ દરમિયાન હાજર પોલીસમાં દોડધામ મચી ગઈ હતી. તાત્કાલિક સળગતું પૂતળું ઓલવી વિદ્યાર્થીઓ પાસેથી હટાવી જમા લેવામાં આવ્યું હતું. આ અંગે NSUI પ્રમુખ અમર વાઘેલાએ જણાવ્યું હતું કે, યુનિવર્સિટીનું પ્રશાસન તંત્ર કથડી ગયું છે અને જીકાસની એક કઠપૂતળી હોય તે રીતે યુનિવર્સિટીના સત્તાધીશો ચાલી રહ્યા છે, તેના ભાગરૂપે આજ રોજ પૂતળા દહનનો કાર્યક્રમ કર્યો હતો અને પૂતળું બાળ્યું હતું અને વિરોધ કર્યો હતો કે, જેવી રીતે જીકાસે વડોદરાના તમામ વિદ્યાર્થીઓને ત્રસ્ત કરી દીધા છે. જેને ધ્યાનમાં લઈને આ વિરોધ કરવામાં આવ્યો હતો. યુનિવર્સિટીમાં જ્યારથી વિજયકુમાર શ્રીવાસ્તવ હતા. ત્યારથી યુનિવર્સિટીના સત્તાધીશો જે પણ છે. એ વિદ્યાર્થીઓનો અવાજ ક્યાંકને ક્યાંક ક્યાંક દબાવે છે. માટે આ પૂતળું બાળ્યું છે પણ આજે સત્તાધીશો પોલીસ પ્રશાસનને આગળ કરીને અમારો અવાજ દબાવવાનો પ્રયાસ કર્યો છે. લોકશાહી છે અને લોકશાહીમાં અમે વિરોધ કરી શકીએ છીએ. વડોદરાના વિદ્યાર્થીઓ માટે લડીએ છે અને હાલમાં પણ એડમિશનની પ્રક્રિયાથી દરેકે દરેક વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ ત્રસ્ત છે.

Most Popular

To Top