ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી 2025 માટે સંસદમાં મતદાન ચાલી રહ્યું છે. જેમાં મુખ્ય મુકાબલો ભાજપની આગેવાની હેઠળના શાસક ગઠબંધનના ઉમેદવાર અને મહારાષ્ટ્રના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણન અને ઇન્ડિયા બ્લોકના ઉમેદવાર તથા સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ બી. સુદર્શન રેડ્ડી વચ્ચે છે. જો કે, આ મહત્વપૂર્ણ ચૂંટણી દરમિયાન ત્રણ રાજકીય પક્ષોએ બહિષ્કારની જાહેરાત કરીને રાજકીય હલચલ મચાવી દીધી છે
બીજુ જનતા દળ (BJD)
ઓડિશાના પૂર્વ મુખ્યમંત્રી નવીન પટનાયકના નેતૃત્વ હેઠળનું બીજુ જનતા દળે ચૂંટણીમાં ભાગ ન લેવાનો નિર્ણય કર્યો છે. પાર્ટીએ જણાવ્યું કે તેમનો નિર્ણય ભાજપ અને કોંગ્રેસ બંનેથી સમાન અંતર જાળવવાની નીતિ પર આધારિત છે.
રાજ્યસભામાં BJDના સાત સાંસદો છે. નિરંજન બિશી, સુલતા દેવ, મુજીબુલ્લાહ ખાન, સુભાષિશ ખુંટિયા, માનસ રંજન મંગરાજ, સસ્મિત પાત્રા અને દેવાશીષ સામંતરાય. છતાં પણ લોકસભામાં BJDનું પ્રતિનિધિત્વ નથી.
શિરોમણી અકાલી દળ (SAD)
પંજાબ આધારિત શિરોમણી અકાલી દળે (SAD) ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. પાર્ટીનો આક્ષેપ છે કે પંજાબમાં આવેલા ભયાનક પૂર દરમિયાન રાજ્યને કેન્દ્ર સરકાર કે પંજાબની આમ આદમી પાર્ટી સરકાર તરફથી મદદ મળી નથી.
અકાલી દળે સોશિયલ મીડિયા પર લખ્યું કે “રાજ્યનો એક તૃતીયાંશ ભાગ પાણીમાં ડૂબી ગયો છે. ઘરો અને પાકો નાશ પામ્યા છે. છતાં કોઈ મદદ મળી નથી.” ઉલ્લેખનીય છે કે હાલમાં અકાલી દળની એકમાત્ર સાંસદ હરસિમરત કૌર બાદલ છે.
ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)
તેલંગાણાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવની ભારત રાષ્ટ્ર સમિતિએ (BRS) પણ મતદાનમાંથી દૂર રહેવાનું નક્કી કર્યું છે. પાર્ટીએ રાજ્યમાં યુરિયાની અછતને કારણે ખેડૂતોને થતી મુશ્કેલીઓનો મુદ્દો ઉઠાવ્યો છે. BRSના કાર્યકારી પ્રમુખ કે.ટી. રામા રાવેએ કહ્યું કે “છેલ્લા 20 દિવસથી અમે રાજ્ય અને કેન્દ્ર સરકારને ચેતવણી આપી હતી. છતાં કોઈ કાર્યવાહી થઈ નથી. તેથી અમે વિરોધરૂપે ચૂંટણીમાં ભાગ નહીં લઈએ.
જો NOTAનો વિકલ્પ હોત તો અમે તે પસંદ કરતે.” હાલમાં રાજ્યસભામાં BRSના ચાર સાંસદો છે. દામોદર રાવ દિવાકોંડા રેડ્ડી, બી. પાર્થસારધિ રેડ્ડી, કે.આર. સુરેશ રેડ્ડી અને રવિ ચંદ્ર વાદિરાજુ.
બહુમતીનો આંકડો
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં કુલ 788 મતદાર સભ્યો હોય છે (245 રાજ્યસભા + 543 લોકસભા). હાલ રાજ્યસભામાં છ અને લોકસભામાં એક બેઠક ખાલી હોવાથી મતદારોની સંખ્યા 781 છે. એટલે બહુમતી માટે જરૂરી આંકડો 391 થાય છે.
ત્રણ પક્ષોના બહિષ્કાર બાદ આંકડાની ગોઠવણ પર થોડી અસર થવાની શક્યતા છે. પરંતુ અંતિમ પરિણામ કોની તરફ વળશે તે જોવું રસપ્રદ રહેશે.