Dahod

જીવિત પિતાને મૃત જાહેર કરી પુત્રે મેળવ્યો ખોટો મરણ દાખલો

દેવગઢ બારીયા નગરપાલિકામાં કલયુગી પુત્રનું કૃત્ય

દાહોદ : દેવગઢ બારીયા નગરપાલિકા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વોર્ડ નં. ૪, ધાનપુર રોડ વિસ્તારના રહેવાસી રાયસીંગ મગનભાઈ બારીયા, જે હાલમાં જીવિત છે, તેમના જ પુત્ર નરેશ રાયસીંગ બારીયાએ નગરપાલિકા સમક્ષ ખોટી માહિતી આપી તેમને મૃત જાહેર કર્યા હતા.નગરપાલિકા ના જન્મ–મરણ રજીસ્ટર નં. ૨૪૫ માં ખોટી નોંધણી કરીને તા. ૨૭/૧૨/૨૦૨૪ ના રોજ મરણનું ખોટું પ્રમાણપત્ર મેળવી લેવામાં આવ્યું હતું. આ પ્રમાણપત્રનો ઉપયોગ કરીને સરકારી લાભ તથા નાણાકીય લોન માફી મેળવવાનો પુત્ર નરેશ રાયસીંગ બારીયાનો ગુનો સામે આવ્યો છે. આ બાબત તેમના જીવિત પિતા રાયસીંગ મગનભાઈ બારીયાને ખબર પડતાં તેઓએ પોતાના મરણનું પ્રમાણપત્ર ઘરમાં મળતા જ ચોંકી ઉઠી તાત્કાલિક પગલા લીધા. તેમણે તા. ૨૯/૮/૨૦૨૫ ના રોજ નગરપાલિકા ખાતે લેખિત અરજી આપી સમગ્ર કિસ્સાનો પર્દાફાશ કર્યો.અરજી મળતા જ નગરપાલિકાના જન્મ–મરણ–લગ્ન નોંધણી સબ રજીસ્ટ્રાર રવિન્દ્રસિંહ રાઠોડ તેમજ નગરપાલિકા તંત્ર પણ ચોકી ઉઠ્યું હતું. અરજદારને રૂબરૂ બોલાવી સાક્ષીઓની હાજરીમાં લેખિત જવાબ લેવામાં આવ્યો.નગરપાલિકા તંત્રે આ સમગ્ર મામલે ગંભીરતા દાખવી અરજદારના પુત્ર નરેશ રાયસીંગ બારીયા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા તથા બારીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવાની તજવીજ શરૂ કરી છે.આ બનાવે નગરપાલિકા વિસ્તારમાં ભારે ચર્ચા જગાવી છે કે, પોતાની જ જીવિત પિતાને મૃત જાહેર કરી ખોટી રીતે સરકારી લાભ મેળવવાનો પ્રયાસ કરવો એ કલયુગની હદ કહી શકાય.

અહેવાલ: વિનોદ પંચાલ, દાહોદ

Most Popular

To Top