પશ્ચિમ બંગાળમાં રાજકીય ગરમાવો ફરી વધી ગયો છે. માલદા જિલ્લાના તૃણમૂલ કોંગ્રેસ (TMC) પ્રમુખ અબ્દુર રહીમ બક્ષીએ જાહેરસભા દરમિયાન ભાજપના ધારાસભ્ય શંકર ઘોષને ખુલ્લેઆમ એસિડ ફેંકવાની ધમકી આપી છે. તેમના આ નિવેદનથી રાજ્યમાં રાજકીય હલચલ મચી ગઈ છે.
જાહેર સભામાં ખુલ્લી ધમકી આપી
શનિવારે સાંજે યોજાયેલી સભામાં બક્ષીએ પોતાના ભાષણમાં કહ્યું કે કેટલાક લોકો બંગાળમાંથી બહાર કામ કરવા જતાં મજૂરોને “રોહિંગ્યા” અને “બાંગ્લાદેશી” કહે છે. તેમણે સીધું નામ લીધા વગર ભાજપના ધારાસભ્ય શંકર ઘોષ પર નિશાન સાધ્યું હતું. બક્ષીએ કહ્યું કે “જો ફરીથી આ વાત સાંભળવા મળશે તો હું તમારા મોઢામાં એસિડ નાખી દઈશ. જેથી તમારો અવાજ સદાકાળ માટે બંધ થઈ જાય. તમારે જાણવું જોઈએ કે આ બંગાળ છે. અમે તમને બોલવાની જગ્યા નહીં આપીએ.”
અગાઉ પણ ધમકીઓ આપી હતી
આ પહેલી વાર નથી કે અબ્દુર રહીમ બક્ષીએ વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરી છે. અગાઉ પણ તેઓ ભાજપ, કોંગ્રેસ અને CPI(M)ના નેતાઓને હાથ-પગ તોડી નાખવાની ધમકી આપી ચૂક્યા છે. આ કારણે તેઓ ઘણીવાર સમાચારમાં રહ્યા છે.
ભાજપના ધ્વજ ફાડવા અપીલ
આ ઉપરાંત ભાષણ દરમિયાન બક્ષીએ પોતાના કાર્યકરોને ભાજપના ધ્વજ ફાડવા અને જિલ્લામાં પાર્ટીના નેતાઓનો સામાજિક બહિષ્કાર કરવા અપીલ કરી.
ભાજપનો વિરોધ
TMC નેતાની આ ટિપ્પણી પર ભાજપે કડક પ્રતિક્રિયા આપી છે. માલદા ઉત્તરથી ભાજપ સાંસદ ખગેન મુર્મુએ કહ્યું કે આવી ધમકીઓ તૃણમૂલની હતાશા દર્શાવે છે. તેમણે જણાવ્યું કે “આ TMCની સંસ્કૃતિ છે. તેઓ વિરોધીઓને ડરાવવા માટે ધમકીઓ આપે છે. પરંતુ હવે લોકો તેમના વિરુદ્ધ ઊભા થશે.”
તૃણમૂલ પર હિંસા પ્રોત્સાહનનો આરોપ: BJP
ભાજપે આ નિવેદનને લઈને તૃણમૂલ પર “ધાકધમકી અને હિંસાની સંસ્કૃતિ”ને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો છે. પક્ષના નેતાઓનું કહેવું છે કે ચૂંટણી નજીક આવતા TMCમાં ભય વધ્યો છે અને તેના કારણે જ આવા ઉગ્ર નિવેદનો આવી રહ્યા છે.
રાજકીય તંગદિલી વધવાની શક્યતા
બંગાળની રાજનીતિમાં આ પ્રકારની ધમકીઓ કોઈ નવી નથી. પરંતુ જાહેરમાં એસિડ ફેંકવાની વાત કરવી ગંભીર ગણાય છે. ભાજપે ચૂંટણી પંચ અને પોલીસ પાસે કાર્યવાહી કરવાની માંગણી કરી છે. હવે જોવું રહ્યું કે અબ્દુર રહીમ બક્ષી સામે કાયદાકીય પગલા લેવાય છે કે નહીં.