આજવા સરોવરમાંથી વિશ્વામિત્રી નદીમાં પાણી છોડવાનું બંધ કરાયું
પરિસ્થિતિ ગમે ત્યારે વણસે તેવી શક્યતા ને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી લીધી
(પ્રતિનિધિ) વડોદરા તા. 07
વિશ્વામિત્રી નદીની સતત વધતી જળસપાટી હવે ભયજનક લેવલ ને અડી છે ત્યારે શહેરીજનોને ગત વર્ષે આવેલા પુરની સ્થિતિ જોઇ ચિંતા વ્યાપી ગઇ છે.જો કે તંત્ર દ્વારા આજવા સરોવરમાંથી વિશ્વામિત્રી નદીમાં પાણી છોડવાનું બંધ કરાયું છે જેથી હાલ જોખમી સ્થિતિ ન સર્જાય તે મુજબનું પગલું તંત્ર દ્વારા લેવામાં આવ્યું છે.
વડોદરા શહેરમાં ગત રાત્રી દરમિયાન હળવો વરસાદ પડી રહ્યો હતો જ્યારે આજે વહેલી સવારથી ભારે વરસાદ ખાબક્યો છે જેના પગલે વિશ્વામિત્રીની જળ સપાટીમાં સતત ધરખમ વધારો થતા શહેરીજનો ચિંતામાં મુકાયા છે. હાલમાં આજવા સરોવરની જળ સપાટી સવારે 11 કલાકે 213.03 ફૂટ, પ્રતાપપુરા સરોવરની જળ સપાટી 229.97 ફૂટ , જ્યારે વિશ્વામિત્રી નદીની શહેરના વિવિધ સ્થળોએ જળસપાટી અકોટા બ્રિજ પાસેની જળ સપાટી વિશ્વામિત્રીની 25.55 ફૂટ, બહુચરાજી બ્રિજ પાસેની જળ સપાટી 11.35 ફૂટ, કાલાઘોડા પાસે જળ સપાટી 21.78 ફૂટ, મંગલ પાંડે બ્રિજ પાસે જળ સપાટી 21.47 ફૂટ, મુજમહુડા બ્રિજ પાસે વિશ્વામિત્રની ની જળ સપાટી 24.61 ફૂટ, સમા-હરણી બ્રિજ પાસે વિશ્વામિત્રી ની જળ સપાટી 23.90 ફૂટ, જ્યારે વડસર બ્રિજ પાસે 23.00 ફૂટ પર વિશ્વામિત્રી પહોંચી ગઈ છે. વિશ્વામિત્રીની ભયજનક જળ સપાટી 26 ફૂટની છે ત્યારે તંત્ર દ્વારા આજવા સરોવરમાંથી વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવી રહેલ પાણી બંધ કરવામાં આવ્યું છે.તંત્ર દ્વારા તમામ સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને શહેરમાં જોખમી સ્થિતિ ન સર્જાય તે માટે તંત્ર દ્વારા હાલમાં વિશ્વામિત્રી નદીમાં પાણી છોડવાનું બંધ કરવામાં આવ્યું છે બીજી તરફ તંત્ર પણ યુદ્ધના ધોરણે તૈયાર થયું છે સાથે જ જે એનજીઓ છે કે સામાજિક અગ્રણીઓ છે તેમણે પણ ઈમરજન્સી સેવાઓ માટે રસોડા શરૂ કરવાની તજવીજ હાથ ધરી છે.