એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ કોલકાતાની કોર્ટમાં સહારા ઇન્ડિયા ગ્રુપ વિરુદ્ધ પૂરક ચાર્જશીટ દાખલ કરી છે. આ કેસ 1.74 લાખ કરોડ રૂપિયાના ચિટફંડ કૌભાંડ સાથે જોડાયેલો છે. ચાર્જશીટમાં સહારાના સ્થાપક સ્વર્ગસ્થ સુબ્રત રોયની પત્ની સપના રોય અને પુત્ર સુશાંત રોયને પણ આરોપી બનાવાયા છે. સાથે જ જૂથના વરિષ્ઠ અધિકારીઓ અનિલ વલપરમ્પિલ અબ્રાહમ અને જિતેન્દ્ર પ્રસાદ વર્મા (જેપી વર્મા) પર પણ ગંભીર આરોપ મૂકાયા છે.
EDએ સુશાંત રોયને ભાગેડુ જાહેર કર્યો છે. કારણ કે તે વારંવાર બોલાવ્યા છતાં પૂછપરછ માટે હાજર રહ્યો નથી. હવે તેની સામે બિનજામીનપાત્ર વોરંટ જારી કરવાની કાર્યવાહી ચાલી રહી છે. સહારા વિરુદ્ધ દેશભરમાં અત્યાર સુધી 500થી વધુ FIR દાખલ થઈ છે. જેમાંથી 300થી વધુ કેસ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ આવે છે.
ત્રણ રાજ્યોમાં FIR પરથી તપાસ
EDએ શરૂઆત ઓડિશા, બિહાર અને રાજસ્થાનમાં નોંધાયેલા ત્રણ FIR પરથી કરી હતી. આ ફરિયાદો હમારા ઇન્ડિયા ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ અને સહારાની અન્ય સંસ્થાઓ સામે હતી. તાજેતરમાં ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને મુંબઈમાં સહારા ગ્રુપ સાથે સંબંધિત નવ સ્થળોએ દરોડા પાડીને દસ્તાવેજો જપ્ત કરાયા હતા. આ નવા પુરાવાના આધારે પૂરક ચાર્જશીટ દાખલ થઈ છે.
અબ્રાહમ અને વર્માની ભૂમિકા
ચાર્જશીટમાં અનિલ અબ્રાહમ અને જેપી વર્માની ખાસ ભૂમિકા ઉલ્લેખાય છે. અબ્રાહમ સહારાના ચેરમેન કોર મેનેજમેન્ટ ઓફિસમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર હતા અને મિલકતના સોદાઓમાં મુખ્ય નિર્ણય લેતા હતા. વર્માને EDએ લાંબા સમયથી સહયોગી અને મિલકત દલાલ તરીકે વર્ણવ્યો છે. જેમણે રોકડ વ્યવહારો અને ગુપ્ત સોદાઓ દ્વારા ગેરકાયદેસર મિલકતોને કાયદેસર બતાવવાનો પ્રયાસ કર્યો હતો.
SEBI અને EDની કાર્યવાહી
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ SEBIએ સહારાની ગેરકાયદેસર રીતે વસૂલ કરેલી 24 હજાર કરોડ રૂપિયાની રકમ રોકાણકારોને પરત કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. બીજી તરફ, ED તપાસી રહી છે કે રોકાણકારોના પૈસા બેનામી મિલકતો અને મની લોન્ડરિંગમાં કેવી રીતે વપરાયા.
ચાર્જશીટમાં જણાવ્યા મુજબ, સહારાએ ઘણી કંપનીઓ દ્વારા પોન્ઝી સ્કીમ ચલાવી હતી. જૂના દેવા નવા રોકાણકારોના પૈસાથી ચૂકવાતા હતા અને ખાતાઓમાં હેરાફેરી કરવામાં આવતી હતી. EDએ એમ્બી વેલી (707 એકર) અને સહારા પ્રાઇમ સિટી (1,023 એકર) જેવી પ્રોપર્ટીને ગુનાથી કમાયેલી મિલકત તરીકે ગણાવી છે.