દિલ્હીના લાલ કિલ્લા પરિસરમાં જૈન ધાર્મિક સમારોહ દરમિયાન સુરક્ષામાં મોટી ચૂક સામે આવી છે. અહીં યોજાયેલા જૈન શિબિરમાંથી ધોળા દિવસે બે કિંમતી કળશ ચોરી થઈ હતી. જેની કિંમત લગભગ 1.5 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.
જોકે સમગ્ર ઘટના તા.2 સપ્ટેમ્બરના રોજ મંગળવારે બની હતી. જ્યારે જૈન સમારોહ ચાલી રહ્યો હતો. પરંતુ દિલ્હી પોલીસે આ મામલા વિશે તા.6 સપ્ટેમ્બરે માહિતી આપી હતી.

પોલીસના જણાવ્યાં મુજબ, એક કળશ પર 760 ગ્રામ સોનાનું નારિયેળ લગાવેલું હતું. જ્યારે બીજા કળશમાં હીરા, પન્ના અને માણેક જડેલા હતા. જૈન ધર્મમાં આ કળશ પવિત્ર માનવામાં આવે છે અને ધાર્મિક અનુષ્ઠાનમાં તેનો ખાસ મહત્ત્વ છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે, સમારોહની વચ્ચે જ કળશ સ્ટેજ પરથી ગાયબ થયો હતો. ઉદ્યોગપતિ સુધીર જૈન દરરોજ પૂજા માટે આ કળશ લાવતા હતા અને આ પ્રસંગે પણ તેઓએ કળશ લાવ્યા હતા.
આ કાર્યક્રમમાં લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા પણ હાજર રહ્યા હતા. પોલીસે જણાવ્યું કે ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. ફૂટેજમાં એક શંકાસ્પદ વ્યક્તિની હલચલ જોવા મળી છે. જેની ઓળખ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં ધરપકડ થવાની અપેક્ષા છે.
ઉલ્લેખનીય છે કે લાલ કિલ્લા પર સુરક્ષા ભંગની આ પહેલી ઘટના નથી. થોડા સમય પહેલા તા.2 ઓગસ્ટે સુરક્ષા દળો એક ડમી બોમ્બ શોધવામાં નિષ્ફળ રહ્યા હતા. આ બનાવે ફરી એકવાર લાલ કિલ્લાની સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઊભા કર્યા છે.