National

પીએમ મોદી અમેરિકા નહીં જાય, વિદેશ મંત્રી એસ. જયશંકર UNGA મહાસભાને સંબોધશે

સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ના 80મા સત્રમાં ભારત તરફથી આ વખત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાજરી આપશે નહીં. તેમની જગ્યાએ વિદેશ મંત્રી એસ. જયશંકર ભારતનું પ્રતિનિધિત્વ કરશે અને તા.27 સપ્ટેમ્બરે મહાસભાને સંબોધશે.

UNGAનું 80મું સત્ર તા.9 સપ્ટેમ્બરથી શરૂ થશે. જ્યારે તા.23થી 29 સપ્ટેમ્બર દરમિયાન ઉચ્ચ સ્તરીય બેઠકો યોજાશે. સુધારેલી યાદી અનુસાર બ્રાઝિલ પ્રથમ ભાષણ આપશે અને ત્યારબાદ અમેરિકા મહાસભાને સંબોધિત કરશે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તા.23 સપ્ટેમ્બરે ભાષણ આપશે. જ્યારે ભારત તરફથી જયશંકર તા.27 સપ્ટેમ્બરે UNGA મહાસભાને સંબોધશે.

મહત્વનું એ છે કે જુલાઈની શરૂઆતમાં જાહેર થયેલી પ્રારંભિક યાદીમાં પ્રધાનમંત્રી મોદીનું નામ સામેલ હતું. તેઓ તા.26 સપ્ટેમ્બરે ભાષણ આપવાના હતા. પરંતુ નવી યાદીમાં ફેરફાર થયા બાદ હવે તેમના સ્થાને વિદેશ મંત્રીનું નામ ઉમેરવામાં આવ્યું છે. સૂત્રો અનુસાર આ યાદી હજી અંતિમ નથી અને આગામી દિવસોમાં તેમાં વધુ ફેરફારો થઈ શકે છે.

ભારત અને અમેરિકા વચ્ચેના તાજેતરના સંબંધો અંગે ઘણી અટકળો ચાલી રહી છે. આવા સમયમાં વડા પ્રધાનની ગેરહાજરી અને વિદેશ પ્રધાન દ્વારા પ્રતિનિધિત્વ કરવામાં આવવાનું મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. વિશ્લેષકોનું કહેવું છે કે જયશંકરના ભાષણમાં વૈશ્વિક સુરક્ષા, આર્થિક સહકાર, જળવાયુ પરિવર્તન અને આતંકવાદ વિરોધી મુદ્દાઓ મુખ્યત્વે સામેલ થઈ શકે છે.

UNGAના આ સત્રમાં અનેક દેશોના નેતાઓ હાજરી આપશે અને વિશ્વવ્યાપી મુદ્દાઓ પર ચર્ચા કરશે. બ્રાઝિલ અને અમેરિકાના ભાષણ બાદ અન્ય દેશોના વડાઓ વૈશ્વિક એજન્ડા પર પોતાના વિચારો રજૂ કરશે. ભારત માટે આ મંચ પોતાની વિદેશ નીતિના પ્રાથમિકતાઓને રજૂ કરવાનો મહત્વપૂર્ણ અવસર સાબિત થઈ શકે છે.

Most Popular

To Top