ઘૂંટણસમા પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મૂકાયા :
રિફાઈનરી અને ફર્ટિલાઈઝર દ્વારા છોડવામાં આવતા પાણીને કારણે દર વર્ષે કપરી પરિસ્થિતિનું નિર્માણ :
( પ્રતિનિધી )વડોદરા,તા.6
બાજવામાં ફરી એક વખત લોકોની કફોડી હાલત થઈ છે. આસપાસની કંપનીઓ દ્વારા છોડવામાં આવતા પાણીને કારણે બાજવા અને ઉંડેરાનું તળાવ ફાટતા દર વખતે ગામોમાં પાણી ફરી વળતા હોય છે. ત્યારે આજે પણ બાજવાના વિવિધ વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિ ઉદભવી છે. મકાનો દુકાનોમાં પાણી પ્રવેશતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. લોકોને પાણીમાંથી જ અવરજવર કરવાની ફરજ પડી રહી છે.

વડોદરા મહાનગરપાલિકામાં સમાવિષ્ટ બાજવા ગામ વિકટ પરિસ્થિતિમાં મુકાયું છે.બાજવામાં ફરી એક વખત પાણી પાણીના દ્રશ્યો સર્જાયા છે. શાક માર્કેટ, કરચિયા રોડ, શંકર સોસાયટી , આંબેડકર નગર , ન્યુ આંબેડકર નગર સહિતના વિસ્તારોમાં દોઢ થી બબ્બે ફૂટ પાણી ભરાઈ ગયા છે. રિફાઇનરી અને ફર્ટિલાઈઝર કંપની દ્વારા ઉંડેરા તળાવ અને ગોત્રી કાંસમાં પાણી છોડવામાં આવે છે. ત્યાં પાણીના નિકાલ માટે માત્ર એક પંપ મૂકી તંત્રે સંતોષ માણ્યો છે.

અગાઉના ધારાસભ્યએ કાયમી નિરાકરણ માટે એક્શન પ્લાન તૈયાર કર્યો હતો. અને કેન્દ્ર સરકારમાં પણ મોકલી આપવામાં આવ્યો હતો. વોટર લોગીંગની જે સમસ્યા થાય છે. એના નિરાકરણ માટે પ્લાન મંજૂરી માટે મોકલવામાં આવ્યો હતો. જોકે, હાલ ધારાસભ્ય બદલાયા છે. ત્યારે આ પ્લાન અભરાઈ પર મૂકી દેવાયો છે. ત્યારે અવારનવાર બાજવામાં ઉદભવતી વોટર લોગીંગની સમસ્યાથી લોકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે. ત્યારે વહીવટી તંત્રના મહાનુભાવો જાતે આવી નિરીક્ષણ કરે અને સમસ્યાનું કાયમી ધોરણે નિરાકરણ લાવે તેવી માંગણી સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી હતી.
