Vadodara

વિશ્વામિત્રીમાં પ્લાસ્ટિક કચરો અટકાવવા કાંસોમાં ટ્રેશબૂમ સિસ્ટમ અમલમાં

વડોદરાની કાંસોમાંથી પ્લાસ્ટિક કચરાની સફાઈ માટે આંતરરાષ્ટ્રીય સંસ્થાની કામગીરી શરુ

પ્રાથમિક તબક્કામાં પંચવટી કાંસ ખાતે ટ્રેશબૂમ નામનું સાધન લગાવાયું

વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ કાંસોમાં પડતા પ્લાસ્ટિક તથા ફ્લોટીંગ કચરાની સમસ્યાને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. પાલિકા દ્વારા પ્લાસ્ટિક ફિશર નામની આંતરરાષ્ટ્રીય સામાજિક સંસ્થાને મંજૂરી (NOC) આપવામાં આવી છે. સંસ્થા શહેરના કાંસોમાંથી તરતો કચરો દૂર કરવા માટે કામગીરી હાથ ધરશે. પ્રાથમિક તબક્કામાં પંચવટી કાંસ ખાતે ટ્રેશબૂમ નામનું સાધન લગાવવામાં આવ્યું છે. ટ્રેશબૂમ પાણી પર તરતો પ્લાસ્ટિક અને અન્ય કચરો એકત્ર કરી તેને બહાર લાવવામાં મદદરૂપ થાય છે. આ પ્રયોગ દ્વારા કચરાને આગળ જઈને વિશ્વામિત્રી નદી અને અન્ય જળસંપત્તિ સુધી પહોંચતા અટકાવવાનો પ્રયત્ન કરવામાં આવશે. મહત્વનું છે કે આ કામગીરી સંપૂર્ણ રીતે સંસ્થા પોતાના ખર્ચે કરશે. આ સમગ્ર કામગીરીમાં પાલિકા કોઈપણ ખર્ચ કરશે નહીં.

સંસ્થાની યોજના મુજબ પ્રથમ તબક્કામાં પંચવટી કાંસ, ગોત્રી ભાઇલી કાંસ, ઊંડેરા કાંસ, રૂપારેલ કાંસ તથા મસ્યા કાંસ ખાતે ટ્રેશબૂમ ઇન્સ્ટોલ કરવામાં આવશે. પ્લાસ્ટિક ફિશર દ્વારા હાથ ધરાયેલ આ કામગીરી વડોદરા શહેર માટે મહત્વપૂર્ણ ગણવામાં આવી રહી છે. શહેરમાં અનેક સ્થળોએ કાંસોમાં પ્લાસ્ટિક અને અન્ય કચરાની સમસ્યા સર્જાતી હોય છે. આ પગલાથી પાણીમાં તરતો કચરો સમયસર અટકાવી શકાય છે, જેના કારણે શહેર વધુ સ્વચ્છ રહેશે અને આરોગ્ય પર પડતી અસર પણ ઘટશે. વડોદરા મહાનગરપાલિકા તરફથી આપવામાં આવેલી માહિતી મુજબ ટ્રેશબૂમ સિસ્ટમ સફળ રહેશે તો આગળના તબક્કામાં શહેરની અન્ય કાંસોમાં પણ તેનો અમલ કરવામાં આવશે. આ રીતે કાંસો અને નદીઓમાં જતા પ્લાસ્ટિક કચરાને ઘટાડીને પર્યાવરણને સુરક્ષિત રાખવાનો પ્રયત્ન કરવામાં આવશે.

Most Popular

To Top