ગણેશ વિસર્જનના એક દિવસ પૂર્વે દેશની આર્થિક રાજધાની મુંબઈમાં તણાવ ઉભો થયો છે. મુંબઈ પોલીસને મળેલા એક ધમકી ભર્યા મેસેજ બાદ અફરાતફરી મચી ગઈ છે. મુંબઈ પોલીસ હાઈ એલર્ટ પર આવી ગઈ છે. વિસર્જનના દિવસે કોઈ અપ્રિય ઘટના ન બને તે માટે મુંબઈ પોલીસે આખાય શહેરમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો છે અને પેટ્રોલિંગ સઘન બનાવી દેવાયું છે.
ખરેખર મુંબઈની ટ્રાફિક પોલીસના કંટ્રોલ રૂમની વોટ્સએપ હેલ્પલાઈન પર ગુરુવારે મોડી રાત્રે એક ધમકી ભર્યો મેસેજ મળ્યો હતો. આ મેસેજમાં એવો દાવો કરાયો હતો કે પાકિસ્તાનથી 14 આતંકીઓ 400 કિલો RDX લઈ મુંબઈમાં ઘુસી ચૂક્યા છે. 34 વાહનોમાં બોમ્બ ફીટ કરાયા છે.
આ મેસેજના પગલે મુંબઈ પોલીસમાં ખળભળાટ મચી ગયો છે. પોલીસ કમિશનરથી લઈને ક્રાઈમ બ્રાન્ચ અને એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ (ATS) સુધીની તમામ એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. મુંબઈ પોલીસને જે મેસેજ મળ્યો તેમાં ‘લશ્કર-એ-જેહાદી’ આતંકી સંગઠનનો ઉલ્લેખ કરાયો છે. આ સંગઠનનું નામ પહેલીવાર બહાર આવ્યું છે, તેથી તેના અસ્તિત્વ પર પણ પ્રશ્ન ઉભો થયો છે. મુંબઈ પોલીસે સંગઠન વાસ્તવમાં છે કે નહીં તે દિશામાં પણ તપાસ કરી રહી છે. ગણેશ વિસર્જન પહેલાં કોઈ ટીખળખોરોએ ભય ફેલાવવા માટે ખોટા મેસેજ મોકલ્યા હોય તેવી શક્યતા પણ નકારી શકાય નહીં, પરંતુ મુંબઈ પોલીસ કોઈ ચાન્સ લેવા માંગતી ન હોય પેટ્રોલિંગ સઘન બનાવ્યું છે.

ગણેશોત્સવ વચ્ચે ચિંતા વધી
જોકે મેસેજ એવા સમયે મળ્યો જ્યારે શહેરમાં ગણેશ ઉત્સવની ભવ્ય ઉજવણી ચાલી રહી છે. ખાસ કરીને આવતી કાલે એટલે કે શનિવારે અનંત ચતુર્દશી નિમિત્તે લાખો લોકો રસ્તાઓ પર ઉતરવાના હોવાથી સુરક્ષા એજન્સીઓની ચિંતા વધી ગઈ છે. પોલીસ કોઈ જોખમ લેવા તૈયાર નથી અને શહેરના મંદિરો, બજારો, ટ્રાન્સપોર્ટ હબ્સ તથા ભીડવાળા તમામ વિસ્તારોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.
કોમ્બિંગ ઓપરેશન હાથ ધરાયું છે : મુંબઈ પોલીસ
મુંબઈ પોલીસે વિવિધ જગ્યાએ કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું છે. મોલ, રેલવે સ્ટેશનો અને દરિયા કાંઠે ચુસ્ત દેખરેખ રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમોને પણ તૈનાત કરવામાં આવી છે.
આ ઉપરાંત ટેકનિકલ ટીમો મેસેજ કોણે મોકલ્યો અને કયા સ્થાનથી મોકલાયો તેની તપાસ કરી રહી છે. આ ધમકી સાચી છે કે ખોટી તે જાણવા માટે ATS અને સાયબર સેલ મળીને કામ કરી રહી છે.
લોકોને સાવચેત રહેવાની અપીલ
પોલીસે નાગરિકોને અફવાઓમાં વિશ્વાસ ન કરવા અનુરોધ કર્યો છે. કોઈપણ શંકાસ્પદ વ્યક્તિ કે પ્રવૃત્તિ નજરે ચઢે તો તરત જ પોલીસને જાણ કરવા વિનંતી કરવામાં આવી છે. તેમજ જ્યાં સુધી યોગ્ય સૂચનો નહીં મળે ત્યાં સુધી તમામ નાગરિકોએ સાવચેતી રાખવી.