Vadodara

પાણીગેટ વિસ્તારમાં બંદોબસ્તમાં ઉભેલો એસઆરપી જવાન પીધેલી હાલતમાં ઝડપાયો

ગણેશોત્સવ દરમિયાન હરણખાના રોડ પર એસઆરપીનો પોઇન્ટ ગોઠવાયો હતો
એસીપીના ચેકિંગમાં જવાન નશો કરેલી હાલતમાં પકડાતા જવાન સામે પ્રોહિબિશનનો ગુનો નોંધાયો
પ્રતિનિધિ વડોદરા તા.4
વડોદરા શહેરમાં ગણેશ ઉત્સવ દરમિયાન પોલીસ અને એસઆરપી સહિતની વિવિધ એજન્સીઓના બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. વિવિધ વિસ્તારોમાં અધિકારી દ્વારા ફૂટ પેટ્રોલિંગ સાથે પોઇન્ટ પર વિઝિટ પણ કરાતી હોય છે. ત્યારે હરણખાના રોડ પર આવેલા એસઆરપી પોઇન્ટ પર એક એસઆરપી જવાન પીધેલા હાલતમાં પકડાયો હતો. જેથી તેના વિરુદ્ધ પીધેલાનો કેસ દાખલ કરાયો છે.
દાહોદ જિલ્લાના સીમળીયા બુજર્ગ ગામે રહેતા સબુરભાઈ ગમાભાઈ પરમાર પાવડી ખાતે એસઆરપી ગ્રૂપ 4માં નોકરી કરે છે. હાલમાં ગણપતિ ઉત્સવ ચાલી રહ્યો હોય સુબરભાઇ પરમારને પાણીગેટ વિસ્તારમાં હરણખાના રોડ પર આવેલા મુસ્લિમ મેડિકલ સ્ટોર એસઆરપી ચોકી ખાતે ફરજ સોંપવામાં આવી હતી. આ પોઇન્ટ પર રાઇફલ અને જીવતા કારતુસ સાથે ફરજ બજાવતો એસઆરપી જવાન ચેકિંગ માટે એસીપીએ વિઝિટ કરી તે દરમિયાન આ એસઆરપી જવાન પીધેલી હાલતમાં ઝડપાઈ ગયો હતો. જેથી એસીપીના ગનમેન દ્વારા આ એસઆરપી જવાનને પકડીને પાણીગેટ પોલીસ સ્ટેશન ખાતે લઇ જવામાં આવ્યાં હતા. પાણીગેટ પોલીસે એસઆરપી જવાન પાસેથી રાયફલ તથા 20 જીવતા કારતૂસ લઈને સિનિયર પીએસઆઇને અધિકારીની હાજરીમાં સોંપવામાં આવ્યા છે અને એસઆરપી જવાન વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો દાખલ કરીને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ છે.

Most Popular

To Top