નર્મદા નદીની સપાટી ફરી વધવાની શક્યતાં,ગોલ્ડન બ્રિજ પર ગુરુવારે બપોરે 14.69 ફૂટે પાણીની સપાટી
કરજણ ડેમના 3 ગેટ ખોલાયા, 28 હજાર 934 ક્યુસેક પાણી છોડાયું
વડોદરા/ ભરૂચ: મધ્યપ્રદેશના ઈન્દિરાસાગર ડેમના ઉપરવાસમાં સતત ભારે વરસાદને કારણે નર્મદામાં પાણીની આવક સતત વધી રહી છે.
સરદાર સરોવર નર્મદા ડેમમાંથી આજે બપોરે 2 કલાકથી 12 ગેટ અને પાવરહાઉસમાંથી કુલ 3,55,180 ક્યુસેક પાણી છોડવાની શરૂઆત કરવામાં આવી છે.
આવતીકાલ સુધી સરદાર સરોવર ડેમમાં પાણીની સપાટી વધી શકે છે. તેથી વડોદરા, નર્મદા અને ભરૂચ જિલ્લાના કાંઠાના ગામોને સાવધ રહેવા સૂચના આપવામાં આવી છે.
ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીની સપાટીમાં પુનઃ વધારો થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. સરદાર સરોવર ડેમની ઉપરવાસમાં આવેલાં ઈન્દિરા સાગર ડેમમાં પાણીનો આવરો વધ્યો છે. જેના કારણે બુધવારે બપોરે 2 વાગ્યા સુધીમાં નર્મદા ડેમમાં 12 દરવાજા દોઢ મીટર ખોલીને સરદાર સરોવરમાં ૩.55 લાખ કયૂસેક પાણી છોડવાનું શરૂ કરાયું છે.જો કે મધરાત્રે 2 વાગ્યે નર્મદા ડેમના 15 દરવાજા ખોલીને 2.95 લાખ કયુસેક પાણી છોડવામાં આવ્યું હતું.જેને લઈને નર્મદા નદીમાં પાણીની સપાટીમાં સતત વધારો થશે.ભરૂચ ગોલ્ડન બ્રિજ પર પાણીની સપાટીમાં વધારો થતા ગુરુવારે બપોરે 14.69 ફૂટે પહોચી ગયું છે.

ગુરુવારે વહેલી સવારે નર્મદા ડેમ અને પાવર હાઉસમાંથી 3.45 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. મોડી રાત્રે 15 દરવાજા ખોલી 2 લાખ 50 હજાર કયુસેક અને પાવરહાઉસ મારફતે 45 હજાર ક્યુસેક મળી કુલ 2 લાખ 95 હજાર કયુસેક પાણી નદીમાં છોડાતા નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ હતી. નર્મદા,વડોદરા અને ભરૂચ જિલ્લાના કાંઠા વિસ્તારોના 16 ગામોને સાવધ રહેવા એલર્ટ અપાયું છે.ત્રણેય જિલ્લા કલેક્ટરને સાવચેતીના પગલા લેવા સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા જાણ કરાઈ હતી. ગઈ કાલે મધ્યપ્રદેશના ઇન્દિરા સાગર ડેમમાંથી 12 ગેટ ખોલવામાં આવતા નર્મદા ડેમમાં પાણીની આવકમાં ધરખમ વધારો નોંધાયો છે. હાલ નર્મદા ડેમ 89 ટકા ભરાયેલો છે.
ઉપરવાસમાં ભારે વરસાદ પડતા ભરૂચ નર્મદાના ખેડૂતોની જીવાદોરી સમાન કરજણ ડેમમાં પાણીની સપાટી સતત વધી રહી છે.ડેમમાં પાણીની આવક હાલ 28 હજાર 934 ક્યુસેક થઈ રહી છે. કરજણ ડેમની જળસપાટી 111.7 મીટર પર પહોંચી છે.જ્યારે ડેમનું રૂલ લેવલ 110.01 મીટર જાળવવા ડેમની સુરક્ષાને ધ્યાનમાં રાખી કરજણ ડેમના 3 ગેટ ખોલી 28934 ક્યુસેક પાણી કરજણ નદીમાં છોડવાની ફરજ પડી છે. હાલ કરજણ ડેમના 2,5,અને 7 નંબર ના 2 મીટર પહોળા કુલ 3 ગેટ ખોલવામાં આવ્યા છે. જેને કારણે કરજણ નદી બે કાંઠે વહીને નર્મદા નદીને ભળશે.