Slg સમાન કેસમાં બે શહેરોનો ફરક
બોગસ ફાયર એનઓસી કાંડમાં પોરબંદર પાલિકાએ ફાયર ઓફિસરને સસ્પેન્ડ કર્યો
પોરબંદર પાલિકાએ આરોપી જાતે શોધ્યો, વડોદરા પાલિકાએ પોલીસ ફરિયાદ કરી છતા આરોપી મળ્યો નહીં
પોરબંદર મહાનગર પાલિકામાં બોગસ ફાયર એનઓસી મામલે કડક કાર્યવાહી હાથ ધરાઈ છે. કમિશનર એચ.જે. પ્રજાપતિએ એક ફાયર ઓફિસરને સસ્પેન્ડ કર્યો છે. માહિતી મુજબ, પોરબંદર પાલિકાને એક ઈમારત માટે BU પરમિશનની અરજી મળી હતી. આ અરજીમાં ફાયર એનઓસી રજૂ કરવામાં આવી હતી. દરમિયાનમાં કોઈએ પાલિકામાં મૌખિક રજૂઆત કરી કે, અરજીમાં મુકાયેલ ફાયર એનઓસી સાચી નથી. તે પછી પોરબંદર મહાપાલિકા અને રાજકોટ ફાયર વિભાગ સાથે મળી તાત્કાલિક આંતરિક તપાસ શરૂ કરવામાં આવી. તપાસ દરમિયાન માલૂમ પડ્યું કે, આ ફાયર એનઓસી કદી ઈસ્યૂ જ કરવામાં આવી નથી. એટલે BU પરમિશન તાત્કાલિક રદ કરાયું. પાલિકાએ બાદમાં તપાસ હાથ ધરી તો જાણવા મળ્યું કે, આ ફાયર એનઓસી પર એક કર્મચારીની સહી હતી. તેની પૂછપરછમાં કર્મચારીના બે અલગ અલગ નિવેદન આવ્યા. આથી પાલિકાએ તેના વિરુદ્ધ તાત્કાલિક સસ્પેન્શનની કાર્યવાહી કરી. આમ પોરબંદર પાલિકાએ અંદરની તપાસથી આરોપી શોધી કાર્યવાહી કરી છે.
બીજી તરફ વડોદરા મહાપાલિકામાં બોગસ ફાયર એનઓસીના બે કિસ્સા સામે આવ્યા છે. મહાલક્ષ્મી કોમ્પ્લેક્ષની ફાયર એનઓસી અને અર્શ પ્લાઝાની ફાયર એનઓસી બોગસ હોવાનું બહાર આવ્યું હતું. બંને વખતે જયેશ મકવાણાનું નામ ચર્ચામાં આવ્યું હતું. સાથે કેટલાક ફાયર ઓફિસરોના નામ પણ સામે આવ્યા હતા. આ મામલે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. તેમ છતાં આજદિન સુધી વડોદરા મહાપાલિકા કોઈ આરોપી શોધી શકી નથી. ઉપરાંત, વડોદરા મહાપાલિકાએ આંતરિક તપાસ કરી કે નહીં તે બાબતે પણ કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી. પોરબંદર જેવી સ્પષ્ટ કાર્યવાહી વડોદરા મહાપાલિકામાં થઈ નથી. જેના કારણે વડોદરા પાલિકાની કામગીરી પર સવાલો ઊભા થયા છે.