સુરત: સુરત શહેર મેટ્રો સીટી બનવા તરફ દોડતું જાય છે ત્યારે આજના યુવાનોએ ગામડાંની સંસ્કૃતિનો સીધો અનુભવ કર્યો નથી. આવા સમયમાં રાંદેરના અંબાજી ચકલા નવયુવક મંડળે ગણેશોત્સવમાં ગામડાંનો જીવંત સેટ બનાવી તેમાં બાપ્પાની સ્થાપના કરી છે.
આ મંડપમાં વડીલો દર્શન કરવા આવે છે ત્યારે બાળપણની યાદો તાજી થાય છે. જ્યારે યુવાઓ અને બાળકો ગામડાંની સંસ્કૃતિ જોઈ અભિભૂત થઈ રહ્યા છે. ગામડાંની સંસ્કૃતિ જીવંત રાખનારો આ અનોખો ગણેશ મંડપ શહેરના ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયો છે.
ગણેશોત્સવના માહોલમાં શહેરભરના મંડપોમાં જુદા જુદા થીમ જોવા મળે છે. ડાયમંડ સીટી અને બ્રિજ સીટી તરીકે ઓળખાતા સુરતમાં આ મંડળે અસલ ગામડાંનો સેટ ઉભો કરી નવો પ્રયોગ કર્યો છે. આ સેટમાં પ્રવેશતા પહેલાં જ એવો માહોલ સર્જાયો છે કે જાણે ગામની ગલીઓમાંથી પસાર થઈ રહ્યા હોઈએ. ગામની શેરી, ઓસરી, ઘર આગળ રોપાયેલા છોડ, કૂવો અને ગાડું આ બધું જ અહીં પુનઃસર્જાયું છે.
ઘરના પ્રવેશદ્વારે તુલસીનો ક્યારો, અંદર ખાટલો, સંદૂક, બાંકડા અને ટેબલ સાથેનું અદ્દલ દૃશ્ય રજૂ કરાયું છે. દીવાલો છાણથી લીંપેલી બતાવવા શણના કાપડનો ઉપયોગ કરી તેની પર વારલી પેઇન્ટીંગ કરવામાં આવ્યું છે. રસોડાનું પણ ગામડાં જેવી જ રીતે નિર્માણ કરાયું છે. જેમાં ઘોડી પર વાસણ ગોઠવવામાં આવ્યા છે. બાજટ પર બિરાજમાન શ્રી ગણેશજીની પ્રતિમા સમગ્ર માહોલને ભક્તિમય અને પરંપરાગત બનાવી દે છે.
આ મંડપમાં દર્શન માટે આવતા લોકોને ગામડાંના ઘરની ઓરિજિનલ ઝલક સાથે ગામમાં ભેગા થઈને રમતા કે ચર્ચા કરતા લોકોનું દૃશ્ય પણ જોવા મળે છે. આમ વિકસિત થતા સુરત શહેરમાં ઉભા કરાયેલા આ ગામડાંના સેટે ભક્તોને પરંપરા અને આધુનિકતાની વચ્ચેનું જીવંત જોડાણ અનુભવાડ્યું છે.
વડીલોને તેમની બાળપણની યાદો તાજી થઈ છે. જ્યારે યુવા પેઢીને ગામડાંનો અદભૂત અનુભવ મળી રહ્યો છે. ગણેશોત્સવમાં આ અનોખું નિર્માણ સુરતવાસીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે.