વડોદરા મહાનગરપાલિકા કમિશનર અરુણ મહેશ બાબુએ વિભાગોની કામગીરીની સમીક્ષા બેઠક કરી
નવા ટોઈલેટ, ચાર્જિંગ સ્ટેશન, ફાયર બ્રિગેડ વાહનો સહિતના મુદ્દાઓ પર બેઠકમાં ચર્ચા કરાઈ
વડોદરા:;વડોદરા મહાનગરપાલિકાના કમિશનર અરૂણ મહેશ બાબુની અધ્યક્ષતામાં આજે વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે રીવ્યુ મીટીંગ યોજાઈ હતી. મીટીંગમાં શહેરમાં શહેરી વિકાસ વર્ષ–2025ની ઉજવણી અંતર્ગત થનારી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. મીટીંગમાં કમિશનરે મહાનગરપાલિકાની તમામ કચેરીઓમાં બ્રાન્ડિંગનું કામ, દરેક વોર્ડ ઓફિસમાં સ્ટેન્ડી મુકવાની વ્યવસ્થા, ગાર્ડન, સિટી બસ, એલઇડી સ્ક્રીન, બસ સ્ટોપ, મહત્વપૂર્ણ દિવાલો અને સર્કલ પર પ્રચાર-પ્રસાર કરવાની કામગીરી ઝડપથી શરૂ કરવાની સૂચના આપી હતી. ઉપરાંત બાગ-બગીચામાં નવા ટોઈલેટ, વિવિધ ઝોનમાં પિંક ટોઈલેટ, ઝોનવાર ડ્રેનેજ સફાઈ, પ્રોજેક્ટ શાખાના પડતર કામો તાત્કાલિક શરૂ કરીને પૂરાં કરવાની બાબત પણ ચર્ચાઈ હતી.
કમિશનરે દરેક ઝોનમાં નવો વાહન પુલ શરૂ કરવો, ફ્યુચરિસ્ટિક પ્લાનિંગ સેલ અને હેરીટેજ સેલના કામ, અતિથિગૃહો અને તળાવ બ્યુટીફિકેશન પ્રોજેક્ટ, નીઝામપુરા ટ્રાન્સપોર્ટ હબનું કામ, ફાયર બ્રિગેડ માટે નવા વાહનો ખરીદવા ટેન્ડર પ્રક્રિયા, પ્રધાનમંત્રી આવાસ યોજનાની કામગીરી ઝડપથી પૂર્ણ કરવાની બાબતો પર પણ ભાર મુક્યો હતો. તે સિવાય શહેરના વિવિધ વિસ્તારોમાં ચાર્જિંગ સ્ટેશન બનાવવાના, બિલ્ડીંગો પર સોલાર રૂફટોપ લગાવવાના, ગાર્ડનમાં યોગા સ્પેસ ઉભી કરવાની, જાહેર શૌચાલયોમાં વધારો કરવાની અને ગંદકી ફેલાવનાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી કરવાની સૂચના અધિકારીઓને આપવામાં આવી હતી. કમિશનરે તમામ વિભાગોને નક્કી કરાયેલ કામગીરી સમયસર તથા ઝડપી ગતિએ પૂર્ણ કરવા સ્પષ્ટ નિર્દેશ આપ્યો હતો.