ટુરિસ્ટ વિભાગની રજૂઆત વગર સ્થાયી સમિતિએ મેન્ટેનન્સ ફીનો નિર્ણય લીધો હતો
સ્વિમિંગ પૂલ મેન્ટેનન્સ ફી પેટે અત્યાર સુધીમાં 111 સભ્યો પાસેથી 1.11 લાખની પાલિકાને આવક
વડોદરા: વડોદરા મહાનગરપાલિકા સંચાલિત સ્વિમિંગ પૂલોમાં આજીવન સભ્યો પાસેથી વસૂલવામાં આવતી વાર્ષિક મેન્ટેનન્સ ફી પેટે 1000 રૂપિયાની વસૂલાતનો નિર્ણય હાલ સ્થગિત કરવા માટેની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવી છે.
પાલિકા હસ્તકના ટુરિસ્ટ વિભાગ દ્વારા શહેરના સ્વિમિંગ પૂલનું સંચાલન કરવામાં આવે છે. સભ્યો પાસેથી માસિક અને વાર્ષિક સભ્યપદની ફી લેવામાં આવે છે અને નીતિનિયમો મુજબ પ્રવેશ આપવામાં આવે છે. તાજેતરમાં 2025-26ના ડ્રાફ્ટ બજેટ અંગે સામાન્ય સભામાં ચર્ચા દરમ્યાન કેટલાક સભાસદોએ આજીવન સભ્યો પાસેથી વાર્ષિક મેન્ટેનન્સ ફી વસૂલવાનો પ્રસ્તાવ મુક્યો હતો. સમગ્ર સભાએ આ સૂચનને બહાલી આપી મંજુર કર્યું હતું. જેના આધારે ઠરાવ નંબર 121 તારીખ 19-02-2025 મુજબ તમામ આજીવન સભ્યો પાસેથી 1000 રૂપિયા મેન્ટેનન્સ ફી વસૂલવાની વ્યવસ્થા અમલમાં આવી. જો કે, આ મુદ્દે ફરીથી વિચારણા કરતા હવે કમિશનર દ્વારા આ નિર્ણયને હાલ માટે સ્થગિત કરવાની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજુ કરવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે, ટુરિસ્ટ વિભાગ તરફથી પણ મેન્ટેનન્સ માટે કોઈ રજૂઆત કરવામાં આવી નહોતી. તેમ છતાં સ્થાયી સમિતિએ આ નિર્ણય લીધો હતો.
અત્યાર સુધીમાં સરદાર બાગ સ્વિમિંગ પૂલના 50, રાજીવ ગાંધી સ્વિમિંગ પૂલના 16, કારેલીબાગ સ્વિમિંગ પૂલના 35 અને લાલબાગ સ્વિમિંગ પૂલના 10 એમ કુલ 111 આજીવન સભ્યો પાસેથી પ્રતિ સભ્ય દીઠ 1000 રૂપિયા વસૂલવામાં આવ્યા હતા. આ પ્રમાણે કુલ 1,11,000 રૂપિયાની વસૂલાત થઈ ચૂકી છે. વધુમાં, અનેક આજીવન સભ્યોએ મેન્ટેનન્સ ફીનો વિરોધ કર્યો હતો અને કમિશનરને રજૂઆત પણ કરી હતી. સભ્યોની આ માંગણીને ધ્યાનમાં લઈ હવે મેન્ટેનન્સ ચાર્જને હાલ માટે સ્થગિત કરવાની દરખાસ્ત મુકાઈ છે.