શહેરના અનેક વિસ્તારોમાં પીવાના પાણી માટે વલખાં તો બીજી તરફ પીવાના પાણીનો વ્યય
અનગઢ વહીવટના કારણે રસ્તા પર ફરી પાણી વહેતું થતા રહીશોના રોષ

વડોદરા શહેરના વોર્ડ નં. 7ના નવીધરતી વિસ્તારમાં પીવાના પાણી માટે મૂકાયેલા બૂસ્ટર પંપના વાલ્વમાં વારંવાર લીકેજ થતા હજારો લિટર પીવાનું પાણી રોડ પર વહેતું થાય છે. પરિણામે, માર્ગ પર પાણી ભરાઈ જતા વાહનચાલકો તથા રાહદારીઓ માટે મુશ્કેલી સર્જાઈ છે અને વિસ્તારના રહેવાસીઓમાં ભારે અસંતોષ જોવા મળે છે.

નિવાસીઓ જણાવે છે કે, અગાઉ પણ પાલિકા અધિકારીઓને વારંવાર લેખિત અને મૌખિક રીતે ફરિયાદો કરવામાં આવી હોવા છતાં હાલ સમસ્યાનું સમાધાન કરવામાં પાલિકા નિષ્ફળ રહી છે. અનેક વિસ્તારોમાં પીવાના પાણી માટે લાઈનો લગાડવી પડે છે એવામાં બીજી તરફ લાખો લિટર પાણી વહી જવું આપણા માટે દુઃખદ છે.
શહેરના અન્ય વિસ્તારોમાં પણ પાણીની અછત જોવા મળે છે ત્યારે નવીધરતી વિસ્તારમાં આવું પાણીનો વ્યય થવો રહેવાસીઓમાં રોષ પેદા કરે છે. લોકો પલિકાની વોર્ડ ઓફિસમાં આવી ફરિયાદ કરે છે, તો ક્યાંક તેમના રોષ તરીકે માટલા ફોડે છે. રહેવાસીઓએ તાત્કાલિક લીકેજ દૂર કરી પાણી બચાવવાની તેમજ નિયમિત દેખરેખ રાખવાની માગ કરી છે.