Vadodara

વડોદરા મહાપાલિકામાંથી વધુ 100 જુનિયર ક્લાર્ક રાજીનામું આપશે !

જુનિયર ક્લાર્કના રાજીનામા અને વેઇટીંગ લિસ્ટ જાહેર ન થતાં હાલના કર્મચારીઓ પર બોજો

પાલિકામાં જુનિયર ક્લાર્ક એક પછી એક નોકરી છોડી રહ્યા હોવા છતા વેઇટીંગ લિસ્ટ જાહેર કરાયું નહીં

વડોદરા::વડોદરા મહાનગરપાલિકામાં હાલ જુનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા કર્મચારીઓની સંખ્યા સતત ઘટતી જાય છે. મળતી માહિતી મુજબ, હાલ પાલિકામાં કાર્યરત 150 જેટલા જુનિયર ક્લાર્કને રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં નોકરી મળી ગઈ છે. જેના કારણે તેઓ ટૂંક સમયમાં પાલિકાની નોકરી છોડી અન્ય જગ્યાએ જોડાશે. આ સ્થિતિમાં પાલિકામાંથી વધુ 100થી વધુ જુનિયર ક્લાર્ક રાજીનામું આપશે તેવું જાણવા મળી રહ્યું છે. પાલિકામાં જુનિયર ક્લાર્કની તંગી પહેલેથી જ અનુભવાઈ રહી છે. અગાઉના મહિનાઓમાં પણ ઘણા જુનિયર ક્લાર્કોએ નોકરી છોડી અન્ય સરકારી વિભાગોમાં જોડાવાનું પસંદ કર્યું હતું. તાજેતરમાં જ 20થી વધુ જુનિયર ક્લાર્કે રાજીનામું આપ્યું હોવાનું બહાર આવ્યું છે. હવે ફરીથી 100થી વધુ ક્લાર્ક નોકરી છોડશે તો કામકાજ પર સીધી અસર પડશે.

વધુમાં, લાંબા સમયથી જુનિયર ક્લાર્કનું વેઇટીંગ લિસ્ટ જાહેર ન થતાં નવો સ્ટાફ જોડાઈ શકતો નથી. પાલિકા દ્વારા ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ હોવા છતાં, વેઇટીંગ લિસ્ટ જાહેર ન થવાને કારણે ખાલી જગ્યાઓ ભરાઈ નથી. આથી, એક તરફ જુનિયર ક્લાર્ક નોકરી છોડી રહ્યા છે, બીજી તરફ નવી નિમણૂક થતી નથી, જેના કારણે તંત્રમાં માનવબળની અછત વધી રહી છે. આમ પાલિકામાં સ્ટાફની અછત થવાથી નાગરિક સેવાઓને સીધી અસર થવાની શક્યતા છે. જુનિયર ક્લાર્ક પર જ રેકોર્ડ સંભાળવાનું, વોર્ડ સ્તરે કામકાજ, બિલિંગ તેમજ ઓફિસનું દૈનિક વહીવટ રહે છે. સ્ટાફ ઓછો થતાં હાલના કર્મચારીઓ પર કામનો બોજો વધી ગયો છે. કર્મચારી વર્તુળમાં એવી ચર્ચા છે કે, જો સમયસર વેઇટીંગ લિસ્ટ જાહેર થાય તો ખાલી જગ્યાઓ ભરાઈ શકે. પરંતુ પાલિકા તરફથી આ અંગે કોઈ ચોક્કસ નિર્ણય લેવામાં આવ્યો નથી. હાલની પરિસ્થિતિમાં, પાલિકાના જુનિયર ક્લાર્ક વિભાગમાં કર્મચારી સંખ્યા નોંધપાત્ર રીતે ઘટી જશે તેવું સ્પષ્ટ બની રહ્યું છે.

VMCના પાણી પુરવઠા વિભાગમાં પણ 600 થી વધુ જગ્યાઓ ખાલી !

વડોદરા મહાનગર પાલિકાના પાણી પુરવઠા વિભાગમાં હાલ 45 જેટલા ઇજનેરો કાર્યરત છે. પરંતુ ઇજનેરોની નીચે જે જરૂરી ટેકનિકલ અને સહાયક સ્ટાફ હોવો જોઈએ તે સ્ટાફની છેલ્લા ઘણા સમયથી ભરતી કરવામાં આવી નથી. જેના કારણે વિભાગ પર કામનું ભારણ વધી રહ્યું છે અને નાગરિકોની પાણી પુરવઠા સંબંધિત ફરિયાદો સતત વધી રહી છે. આધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પાણી પુરવઠા વિભાગમાં મહેકમ મુજબ 900 થી વધુ કર્મીઓની જગ્યાઓ મંજૂર છે. તેમાંથી 600 થી વધુ જગ્યાઓ હાલમાં ખાલી છે. ખાસ કરીને સિનિયર ઓપરેટરની 10 થી વધુ, ફિલ્ડ આસિસ્ટન્ટની 10 થી વધુ, ઓપરેટરની 150 થી વધુ, ફિટરની 20 થી વધુ અને મજૂરની 200 થી વધુ જગ્યાઓ ખાલી છે. વિભાગમાં જુનિયર ક્લાર્ક સ્ટાફનો પણ અભાવ છે.

Most Popular

To Top