ચીનના તિયાનજિન શહેરમાં યોજાયેલી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટ વિશ્વભરમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. આ સમિટમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ત્રણેય એક જ મંચ પર જોવા મળ્યા હતા. આખી દુનિયાની નજર આ બેઠક પર હતી. જ્યાં ચીનના રાષ્ટ્રપતિએ એક સીધો સંદેશ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને આપ્યો છે.
શી જિનપિંગે શું કહ્યું?
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે પોતાના ભાષણમાં ટ્રમ્પને નિશાન બનાવતા કહ્યું કે ‘હવે શીત યુદ્ધની માનસિકતા અને ધમકીઓ સ્વીકાર્ય નહીં રહે’. તેમણે સ્પષ્ટ કર્યું કે મુકાબલો કે એકતરફી દબાણના રાજકારણને હવે જગ્યા નહીં મળે. તેમજ ચીનના રાષ્ટ્રપતિએ SCOના સભ્યોને પરસ્પર હિત અને વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાની અપીલ કરી છે.
આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સતત વિવિધ દેશો પર ટેરિફ લગાવવાની ધમકી આપી રહ્યા હતા. ટ્રમ્પે ભારત સહિતના દેશો પર પણ વેપારી દબાણ વધાર્યું હતું. અહેવાલ મુજબ ભારતે રશિયાથી તેલ ખરીદ્યું હતું. જેના જવાબમાં ટ્રમ્પ પ્રશાસને 50 ટકા સુધીના ટેરિફ લાદ્યા હતા.
જોકે અમેરીકન કોર્ટે પણ તાજેતરમાં ટ્રમ્પ દ્વારા લગાવવામાં આવેલા કેટલાક ટેરિફને “ગેરકાયદેસર” જાહેર કર્યા છે. છતાં ટ્રમ્પ પોતાના નીતિ અભિગમ પર અડગ રહ્યા છે. જેના કારણે અમેરિકા અને અન્ય દેશો વચ્ચે તણાવ વધ્યો છે.
શી જિનપિંગે સ્પષ્ટ સંદેશ આપ્યો કે વિશ્વ હવે શીત યુદ્ધ કે દબાણની રાજનીતિ તરફ પાછું નહીં વળે. તેમના આ નિવેદનથી ટ્રમ્પની નીતિ પર વૈશ્વિક મંચે સીધી પ્રતિક્રિયા મળી છે.
ચીનના અહેવાલ મુજબ જિનપિંગે જણાવ્યું કે SCO સંગઠન આજે વિશ્વના સૌથી મોટા પ્લેટફોર્મ્સમાંની એક ગણાય છે અને સભ્ય દેશોએ તેના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. તેમનું માનવું છે કે જો તમામ દેશો સહકારની ભાવનાથી આગળ વધશે તો આ સંગઠન વૈશ્વિક સ્થિરતા અને વિકાસમાં વધુ મોટી ભૂમિકા ભજવી શકશે.