આજથી એટલે કે તા.1 સપ્ટેમ્બર 2025થી દેશમાં ઘણા નવા નિયમો લાગુ થયા છે. જેના કારણે સામાન્ય માણસના ખિસ્સા પર સીધી અસર જોવા મળશે. ચાંદી પર હોલમાર્ક ફરજિયાત કરાયું છે. LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો છે. SBI કાર્ડના નિયમોમાં ફેરફાર થયા છે અને આવતા દિવસોમાં GST અંગેના મોટા નિર્ણયો લેવાશે. ચાલો વિગતવાર જાણીએ.
- ચાંદી પર હોલમાર્ક ફરજિયાત
હવે ચાંદીની શુદ્ધતા હોલમાર્ક દ્વારા જ ઓળખાશે. જેમ સોનામાં હોલમાર્કિંગ ફરજિયાત છે. તેમ જ હવે ચાંદીના ઝવેરાત માટે પણ નિયમ લાગુ થયો છે. ગ્રાહકો હવે સરળતાથી શુદ્ધતા ચકાસી શકશે.
- LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો
દર મહીનાની પહેલી તારીખે LPGના ભાવમાં ફેરફાર થાય છે. આ વખતે 19 કિલોના સિલિન્ડરમાં ઘટાડો થયો છે.
દિલ્હી: રૂ 1631.50 → રૂ 1580
કોલકાતા: રૂ 1734.50 → રૂ 1684
મુંબઈ: રૂ 1582.50 → રૂ 1531
ચેન્નાઈ: રૂ 1789 → રૂ 1738
જોકે 14.2 કિલોનો સિલિન્ડર સ્થિર રહ્યો છે. હાલ ભાવ છે:
દિલ્હી રૂ 853
કોલકાતા રૂ 879
મુંબઈ રૂ 852.50
ચેન્નાઈ રૂ 868.50
- SBI કાર્ડમાં ફેરફાર
SBIએ લાઈફસ્ટાઈલ હોમ સેન્ટર કાર્ડ અને લાઈફસ્ટાઈલ હોમ સેન્ટર સિલેક્ટ કાર્ડ પર બદલાવ કર્યા છે. હવે આ કાર્ડ ધારકોને ડિજિટલ ગેમિંગ અને સરકારી પોર્ટલ પેમેન્ટ્સ પર રિવોર્ડ પોઈન્ટ નહીં મળે.
- GST સુધારા અંગેની ચર્ચા
તા.3-4 સપ્ટેમ્બર 2025એ નવી દિલ્હીમાં GST કાઉન્સિલની 56મી બેઠક યોજાશે. ચર્ચામાં ટેક્સ સ્લેબ ઘટાડવાનો મુદ્દો મુખ્ય રહેશે. હાલ 4 સ્લેબ છે. પરંતુ મીડિયા રિપોર્ટ્સ મુજબ તેને 2 સ્લેબ (5% અને 12%) કરવા પર વિચાર થઈ રહ્યો છે. જો આ નિર્ણય થાય તો સામાન્ય માણસને સીધો લાભ મળશે.
આમ સપ્ટેમ્બરનો પ્રારંભ સામાન્ય ગ્રાહકો માટે ફેરફારો ભરેલો રહ્યો છે. ચાંદી ખરીદનારા ગ્રાહકોને શુદ્ધતા અંગે વિશ્વાસ મળશે, LPGના ભાવમાં રાહત મળશે. SBI કાર્ડ ધારકોને નવા નિયમો અનુસાર એડજસ્ટ કરવું પડશે અને આવનારા દિવસોમાં GST સુધારા પણ રાહત આપી શકે છે.